– આજ રોજ સાંજે 5:00 કલાકે કન્યાકુમારી ખાતે વિશાળ રેલી દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે
નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર : કોંગ્રેસ દ્વારા આજથી ‘ભારત જોડો યાત્રા’નો આરંભ કરવામાં આવી રહ્યો છે. આશરે 3,570 કિમી લાંબી આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેશે.રાહુલ ગાંધીએ આજ રોજ તમિલનાડુથી આ 5 મહિનાની યાત્રાનો શુભારંભ કર્યો છે.
રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પદયાત્રાની શરૂઆત પહેલા રાહુલ ગાંધી વહેલી સવારે તમિલનાડુના શ્રીપેરૂમબુદુર શહેર ખાતે પહોંચ્યા હતા.ત્યાં કાંચીપુરમ ખાતે તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારક ખાતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તે સ્થળે જ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.રાહુલ ગાંધીએ બોમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી.ત્યાર બાદ તેઓ ચેન્નાઈ પરત ફર્યા હતા.
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી કન્ટેનર કેબિનમાં ઉંઘ લેશે.પાર્ટી સૂત્રોના કહેવા પ્રમાણે કન્યાકુમારીમાં રાહુલ ગાંધી મહાત્મા ગાંધી મંડપમ ખાતે એક કાર્યક્રમમાં સામેલ થશે.ત્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ‘ભારત જોડો યાત્રા’ના શુભારંભ પહેલા તેમને ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ સોંપશે.સાથે જ છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી પણ તેમાં સામેલ થશે.
દરરોજ 6-7 કલાકની પદયાત્રા
યાત્રા દરમિયાન હજારો કોંગ્રેસી કાર્યકરો અને નેતા દરરોજ આશરે 6-7 કલાક ચાલશે.રાહુલ ગાંધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરશે તેવું નક્કી કરવામાં આવેલું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં કેન્દ્ર વિરૂદ્ધ જનસમર્થન તૈયાર કરવા માટે કોંગ્રેસે આ યાત્રાનું આયોજન કર્યું છે.યાત્રા દરમિયાન કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને અર્થતંત્ર જે પ્રકારે ડૂબી રહ્યું છે તે મુદ્દાઓને આવરી લે તેવી શક્યતા છે.
કોંગ્રેસી સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે આજ રોજ સાંજે 5:00 કલાકે કન્યાકુમારી ખાતે વિશાળ રેલી દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.બાદમાં 8 સપ્ટેમ્બરના રોજ દરેક વિધાનસભા ક્ષેત્ર અને બ્લોકમાં પદયાત્રા યોજવામાં આવશે.સર્વધર્મ પ્રાર્થના અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.