– નાગરિકોએ લોકડાઉનને હળવાશથી લેતાં હવે તંત્ર આકરાં પગલાં ભરશે
– ગાંધીનગર મનપા સિવાયના વિસ્તારમાં કરિયાણાની દુકાનો કે દૂધ કેન્દ્રોને રાહત
ગાંધીનગર
– કોરોના વાયરસના પ્રસાર મામલે રાજ્યના હોટ સ્પોટ તરીકે ગાંધીનગરનો સમાવેશ થતાં તંત્રને આકરાં પગલાં ભરવાની ફરજ પડી છે.સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનને ગાંધીનગર શહેરના કેટલાક વિસ્તારોમાં નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાતા તંત્રને આકરાં પગલાં ભરવાની ફરજ પડી છે. ગાંધીનગર મ્યુનિ.વિસ્તારમાં મંગળવારથી મોલ-કરિયાણાની દુકાનો સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.દૂધના કેન્દ્રોને માત્ર સવારે 5થી 8 દરમિયાન ખુલ્લા રાખવાની મંજૂરી અપાઈ છે.
જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્ય, મ્યુનિ. મેયર રીટાબેન પટેલ, કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ અને જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં લોક ડાઉનને વધુ કડક બનાવવાની જાહેરાત થઈ હતી. મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, હજુ અમુક વિસ્તારમાં લોકડાઉનને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. નાગરિકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ છે, પરંતુ તેનો ચુસ્ત અમલ થતો નથી. લોકડાઉનના સંપૂર્ણ અમલ માટે મંગળવારથી મોલ અને કરિયાણાની દુકાનો સદંતર બંધ રાખવામાં આવશે. આ સાથે તેમણે પોલીસ, ડૉક્ટરો અને સરકરી અધિકારીઓને સહકાર આપવા માટે નગરજનોને વિનંતી કર છે.
લોકડાઉનનો કડકાઈપૂર્વક અમલ કરવાના નિર્ણયનો પુનરોચ્ચાર કરતાં કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, લોકો ક્ષુલ્લક કારણો લઈને ભેગાં થઈ રહ્યા છે અને ઘરની બહાર ફરવાના પ્રયાસ કરે છે. જેથી હવે લોકડાઉનનો કડકાઈથી અમલ કરવા માટે છૂટક વેચાણ કરતી તમામ દુકાનોને બંધ રાખવાની ફરજ પડી છે. કરિયાણું લેવા જઈએ છીએ તેવું બહાનું કરીને અનેક લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. આવું બહાનું કોઈ વ્યક્તિ ન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. કરિયાણાની કે દવાની દુકાનો પર અથવા દૂધ કેન્દ્રો પર વધુ ભીડ થતી હોય તો તંત્ર દ્વારા પગલા લેવામાં આવે છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ભીડ રોકવા માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે. કરિયાણાની દુકાનો અને મોલ સદંતર બંધ રાખવા અને દૂધ કેન્દ્રોને સવારે ત્રણ કલાક માટે જ મંજૂરી આપવા સંદર્ભે કલેક્ટરે સ્પષ્ટતા કર હતી કે, ઉક્ત નિયંત્રણ માત્ર ગાંધીનગર મ્યુનિ. વિસ્તાર માટે છે. જિલ્લાના અન્ય સ્થળો પર કરિયાણાની દુકાનો કે દૂધ કેન્દ્રો રાબેતા મુજબ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા છૂટક અને હોલસેલ વેપારીઓને મંજૂરી આપવામાં આવી છે. જરૂર પડ્યે પોલીસ રક્ષણ હેઠળ માલ-સામાન લાવવાની સુવિધા પણ આપવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવાઈ છે.
રિંગ રોડ પર શાકની લારીઓ નહીં ઊભી રહે
સેકટર-21, સેકટર-24 અને સેકટર-7 જેવા સ્થળે આવેલા શાક માર્કેટ હાલ સદંતર બંધ છે, પરંતુ વિવિધ સેકટરના રિંગ રોડ પર શાકની લારીઓ ઊભી રહેતી હોય છે. શાક અને ફળની લારીઓ એક જ સ્થળે ઊભી રહેતી હોવાના કારણે ત્યાં આગળ અવાર-નવાર ભીડ ઊભી થતી હોય છે. મેયરે જણાવ્યુ હતું કે, આ સ્થિતિ નિવારવા માટે રિંગ રોડો પર લારીઓને ઊભાં રહેવા દેવાશે નહીં. અછત નિવારવા માટે સેકટરના અંદરના વિસ્તારોમાં શાક-ફળની લારીઓને ફરવાની મંજૂરી અપાઈ છે. આ માટે સેકટરવાઈઝ શાકભાજીની લારીઓને મંજૂરી આપવામાં આવી છે. નિયત થયેલા વેપારીઓ પોતાના વિસ્તારમાં લારીઓ ફેરવી શકશે.