વાપી સહિત વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા બાદ સોમવારથી હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે.શાળા સંચાલકોએ ધોરણ 9 અને 11ના વર્ગો માટે બેઠક વ્યવસ્થાની તૈયારી કરી હતી.સરકારે નક્કી કરેલી એસઓપી મુજબ સોમવારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વલસાડ જિલ્લાની 274 જેટલી શાળાઓમાં આ વર્ગો શરૂ થશે. જેની મોટાભાગની તૈયારી શિક્ષણ વિભાગે પૂર્ણ કરી દીધી છે.
વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થઇ ચૂક્યું છે.અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો નથી. જેથી શાળા સંચાલકો અને વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. સોમવારથી ધોરણ 9 અને 11ના વર્ગોનો પણ વિધિવત પ્રારંભ થશે.આ માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને કોવિદ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા અંગે સૂચના આપી દીધી છે.વાલીઓની સંમતિ 80 ટકા કરતા વધુ હોવાથી ધોરણ 9 અને 11માં પણ પ્રથમ દિવસે વધુ હાજરી જોવા મળશે એવું લાગી રહ્યું છે.આ વર્ગોના વિદ્યાર્થીઓને પણ નક્કી કરેલી નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓની સલામતી માટે એક બેંચ પર માત્ર એક વિદ્યાર્થી બેસશે
કોવિડ-19ની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે જરૂરી તૈયારી શાળા કરી લીધી છે. જેમાં પ્રથમ છાત્રોના વાલીઓની સંમતિ ખુબ જ જરૂરી અને ત્યાર બાદ જ છાત્રોને અભ્યાસ માટે વર્ગખંડમાં જવાનું રહેશે. ત્યારે એક બેંચ પર માત્ર એક જ છાત્રને બેસાડવા ઉપરાંત શાળા,વર્ગખંડને સેનેટાઈઝ,માસ્ક,થર્મલ ગન,સામાજિક અંતર સહિતની માર્ગદર્શિકાનું કડક પણે પાલન કરવાનું રહે તેમ હોય શાળાનાં આચાર્ય પણ કોઈ કસર છોડવા માંગતા નથી.


