ભાદરવા વદ એકમ એટલે કે મંગળવાર તારીખ 21 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે.આજથી પરિવારના મૃત્યુ પામેલ કોઈ પણ નાનાથી મોટા સ્નેહીને તિથિ મુજબ શ્રાદ્ધ થાય છે,જેમાં બ્રહ્મ ભોજન,કાગવાસ અને ગાયને ચારો આપી પિતૃને તર્પણની ભાવના કરાય છે.પ્રતિપદા એકમના શ્રાધથી પંદર દિવસ તિથિ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે છે.
કર્મકાંડી બ્રાહ્મણ આચાર્ય ભરતભાઇ દવે માહિતી આપતા જણાવે છે કે, આ વર્ષે બીજ બે હોતા સોળ દિવસ સુધી શ્રાદ્ધ ચાલશે.અને સત્તરમે દિવસે આસો સુદ એકમના માતામહ શ્રાદ્ધ કરાય છે.શ્રાદ્ધનો એક દિવસ વધતા એક નોરતું ઘટ્યું.માતામહ શ્રાધ્ધ જે આસો સુદ-એકમ, તા.07 સપ્ટે. ગુરૂવારે આવે છે.પુત્રી દ્વારા પોતાના માતા-પિતા કે પિયરપક્ષના કોઈ સદગત સભ્યને ઉદેશીને કરાતા શ્રાધ્ધને માતામહ શ્રાધ્ધ તરીકે ઓળખવામાં આવે છે.
તેવી જ રીતે દોહીત્ર દ્વારા નાના-નાની કે ભાણેજ દ્વારા મામા-મામી કે માસાને ઉદેશીને આ દિવસે શ્રાધ્ધ કરી શકાય છે.ગુરૂડ પુરાણ,મનુસ્મૃતિ,ધર્મસિધુ વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લે છે તેથી જ આ માતામહ શ્રાધ્ધ તરીકે ઓળખાય છે.સૌભાગ્યવતી નારીનું અવસાન થયેલ હોય તો નોમના શ્રાધ્ધ કરાય છે.ચૌદશનું શ્રાધ્ધ ચૌદશના નહીં પરંતુ અમાસના કરવાનું વિધાન છે ચૌદશના અકસ્માત કે આપઘાતથી મૃત્યુ
પામેલાનું જ શ્રાધ્ધ થાય છે તેની મૃત્યુ તિથિ પછી ભલે ગમે તે હોય.બાળકો કે સન્યાસીનું શ્રાધ્ધ બારસના શ્રાધ્ધના દિવસે થાય છે.શ્રાદ્ધના દિવસો દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું, તો ઘણા લોકો આ દિવસો દરમિયાન સુવર્ણ,ચાંદી,જમીન ખરીદી નથી કરતા તેમજ વાસ્તુ કે ભૂમિ પૂજન પણ કરવામાં નથી આવતું.
પૂનમનું શ્રાધ્ધ અમાસના કરવાનું વિધાન છે
મૃત્યુ થયા બાદ એક વર્ષે વરસી વળી જાય, પછી શ્રાધ્ધ કરી શકાય અને બ્રાહ્મણ માટે ત્રણ વર્ષ સુધી નહિ,ત્યારબાદ ચોથા વર્ષથી માતૃ પક્ષનું સિદ્ધપુરના બિંદુ સરોવર તથા પિતૃ પક્ષનું ગયામાં શ્રાધ્ધ કરીને ત્યારબાદ શ્રાધ્ધ કરી શકાય છે એવી માહિતી શાસ્ત્રી દુર્ગેશ ભટ્ટે આપતા જણાવ્યું કે, ધર્મસિધુ પ્રમાણે પૂનમનું શ્રાધ્ધ અમાસના કરવાનું વિધાન છે. સાદી સમજ પ્રમાણે શ્રાધ્ધ પક્ષ ભાદરવા વદ-એકમથી જ શરૂ થાય આવા સંજોગોમાં પૂનમનું શ્રાદ્ધ કઈ રીતે થાય.માટે અમાસના બંને શ્રાધ્ધ કરવાની સૂચના ગ્રંથમાં આપેલી છે.


