અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં આવતીકાલે ૧૩મીથી નવુ શૈક્ષણિક સત્ર શરૃ થનાર છે.૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલોના કેમ્પસ-મેદાનો વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે.શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ શરુ થઈ જનાર છે ત્યારે હજુ સુધી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલો માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી.
ધો.૧થી૧૨ની સ્કૂલોમાં ગત ૫મી મે બાદ ઉનાળુ વેકેશન શરૃ થયુ હતું.સ્કૂલોમાં બોર્ડના કેલેન્ડર મુજબ ૩૫ દિવસનું વેકેશન અપાતુ હોય છે અને કોરોનાને લીધે સ્કૂલોમા વાર્ષિક પરીક્ષાઓ મોડી શરૃ કરાતા ઉનાળુ વેકેશન થોડુ મોડુ શરૃ થયુ હતુ જેથી નવુ શૈક્ષણિક વર્ષ પણ એક સપ્તાહ જેટલુ મોડુ શરૃ થઈ રહ્યુ છે.સ્કૂલોમા આજે ઉનાળુ વેકેશન પૂર્ણ થયુ છે અને આવતીકાલે ૧૩મીથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ વિધિવત રીતે શરૃ થશે.પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલો કે જે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી છે તેમાં આવતીકાલે ૧૩મીથી શિક્ષણકાર્ય શરૃ થશે.રાજ્યની ૫૫ હજારથી વધુ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો અસહ્ય ગરમી અને વેકેશનની મજા માણ્યા બાદ આવતીકાલે સ્કૂલોમાં જશે.સ્કૂલો શરૃ થઈ રહી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી ૨૦૨૨-૨૩ના વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયુ નથી.આ શૈક્ષણિક વર્ષ સીબીએસઈ પેટર્ન મુજબ માર્ચ અંત સુધીનું રહેશે કે પહેલાની જેમ એપ્રિલ અંત સુધીનું રહેશે તે હજુ નક્કી નથી બોર્ડની નવી શિક્ષણ સમિતિ ગુજરાત બોર્ડની સ્કૂલોની શૈક્ષણિક પેટર્ન-દિવસો અને કેલેન્ડર નક્કી કરશે.
એક મહિના બાદ આવતીકાલથી સ્કૂલો શરૃ થઈ રહી છે ત્યારે ફરીથી સ્કૂલોના કેમ્પસ-પ્રાંગણ એક મહિના બાદ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠશે.આજે વેકેશનનો છેલ્લો રવિવાર હતો ત્યારે મોટા ગાર્ડન, પીકિનિક સ્પોર્ટસ સહિતના જાહેર સ્થળોએ પરિવારજનો બાળકો સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત એ પણ છે કે રાજ્યમા ગરમીનુ પ્રમાણ ઘટયુ છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૃ થતા વાદળછાયા વાતાવરણ અને હવામાં ઠંડક સાથે ગરમી ઓછી થઈ છે.જો કે બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સ્કૂલો શરૃ થતા વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવામાં થોડો સંકોચ પણ અનુભવશે.


