સનાતન હિન્દુ ધર્મગ્રંથોમાં પુષ્ય નક્ષત્ર ને સૌથી શુભકારક માનવામાં આવે છે.પુષ્ય નો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઉર્જા અને શક્તિ પ્રદાન કરનાર નક્ષત્ર.આ નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિઓ સદાય લોકોની ભલાઇ અને સેવા કરવા માટે તત્પર રહે છે.આ લોકો પોતાની મહેનત અને સ્વબળે જીવન માં આગળ આવવામાં માને છે કહેવાય છે કે,આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્વિના દેવી મા લક્ષ્મીનો જન્મ થયો હતો.જ્યારે ગુરુવાર અથવા રવિવારના રોજ પુષ્યનક્ષત્ર આવે છે ત્યારે આ યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર અને રવિ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખવામાં આવે છે.આ યોગ અક્ષય તૃતિયા, ધન તેરસ, દિવાળી જેવી ધાર્મિક તિથિની જેમ જ શુભ છે.
આ દિવસે મા લક્ષ્મી જાતકના ઘરમાં વસે છે અને ત્યાં લાંબા ગાળા સુધી રહે છે. આ કારણોસર જ આ સમયને પાવનકારી કહેવાય છે. પુષ્ય નક્ષત્ર નો સ્વભાવ ફળ આપનારો,કાળજી રાખનારો છે.પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલા કાર્યો થી જીવનમાં સમૃદ્વિનું આગમન થાય છે તે શુકનિયાળ પણ છે. આ દિવસે ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં ભ્રમણ કરતા હોવાથી તે શાંતિ,સંપત્તિ અને સમૃદ્વિ લાવે છે.જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આપણા હિન્દુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર માં બાર રાશિઓ માં સમાવિષ્ટ થતા 27 નક્ષત્રો માં આઠ માં નક્ષત્ર ‘પુષ્ય’ ને સૌથી શુભકારક નક્ષત્ર ગણવામાં આવે છે. આ જ નક્ષત્રમાં ગુરુ ઉચ્ચનો થાય છે.
દેવોના આશીર્વાદથી પુરસ્કૃત આ નક્ષત્રના અધિષ્ઠાતા દેવ બૃહસ્પતિ અને સ્વામી શનિ છે. કર્ક રાશિ અંતર્ગત સમાવિષ્ટ થતો હોવાથી આ નક્ષત્રનો રાશિધિપતિ ચંદ્ર છે.આમ ગુરુ અને ચંદ્ર ના શુભત્વ નો સંયોગ આ નક્ષત્ર માં થતો હોવાથી કોઇપણ શુભ કાર્ય કરવા માટે પુષ્ય નક્ષત્ર ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોવાથી આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે પછી સમૃદ્વિ ચિરસ્થાયી રહે છે.પષ્ય નક્ષત્રમાં કરેલાં કોઇપણ કાર્યમાં હરહંમેશ સફળતા અને સિદ્વિઓ પ્રાપ્ત થાય છે.તેથી જ લગ્ન સિવાયના દરેક શુભ કાર્ય માટે પુષ્ય નક્ષત્રને ઇચ્છનીય ગણવામાં આવે છે. પુષ્યનક્ષત્રમાં જ્યારે ગુરુ પુષ્યામૃત યોગ હોય ત્યારે સોનું,ઝવેરાત,રત્નો ખરીદવાની પ્રથા વર્ષોથી પ્રચલિત છે.
વિદ્યાભ્યાસ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પાવનકારી પર્વ.આ દિવસે આધ્યાત્મિક કાર્યો કરી શકાય.મંત્રો, યંત્રો, પૂજા, જાપ અને અનુષ્ઠાન માટે શુકનિયાળ દિવસ.મા લક્ષ્મીની ઉપાસના તેમજ શ્રી યંત્ર ખરીદીને જીવનમાં સમૃદ્વિ લાવી શકાય.આ સમય દરમિયાન કરેલા તમામ ધાર્મિક અને આર્થિક કાર્યોથી વ્યક્તિની ઉન્નતિ થાય છે.આજે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે.ભારતીય શાસ્ત્ર અનુસાર આ દિવસ સોનું તથા અન્ય વસ્તુની ખરીદી તથા ઈન્વેસ્ટમેન્ટના હેતુથી અત્યંત શુભ મનાય છે.આ દિવસે મુહૂર્તમાં ભવન, ભૂમિ, વાહન, આભૂષણ સહિત અન્ય ખરીદી કરવી શ્રેષ્ઠ કહેવાય છે.આ યોગમાં ખરીદી કરાયેલ વસ્તુ લાંબા સમય સુદી ચાલે છે. તેમજ શુભ ફળ પ્રદાન કરે છે.


