– આસો વદ એકમના રોજ ચંદીની પડવો ઉજવાય છે
– ઘારીની સાથે ભૂસું ખાવાની પરંપરા
– ઘારીનો એક કિલોનો ભાવ 600થી 1000 રૂપિયા
સ્વાદરસિયા સુરતીઓ પોતીકા પર્વ ચંદની પડવાની સોમવારે આસો વદ એકમે ઉજવણી કરશે. કોરોનાના બે વર્ષ બાદ ચંદની પડવા પર્વની રોનક દેખાઇ હોય આ વર્ષે સુરતીલાલાઓ 200 ટન ઘારી આરોગશે એવો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે.આસો વદ એકમના રોજ ચંદની પડવાની ઉજવણીની પરંપરા દાયકાઓથી ચાલી આવે છે.આ દિવસે સુરતીઓ એક પ્રકારની મીઠાઇ એવી ઘારી અને તેની સાથે ભૂસાની મોજ માણે છે.અગાસીમાં કે ડુમસ પાલના ખુલ્લા રસ્તા,મેદાનમાં બેસી આ તહેવારની ઉજવણીના દશ્યો જોવા મળે છે.આ વર્ષે રવિવારે સાંજથી જ ચંદની પડવાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો.સુરતીલાલાઓએ પરિવાર,મિત્રો,સંબંધીઓ સાથે ઘારી પાર્ટીના આયોજનો કરી દીધા છે.રવિવારે સવારથી જ મીઠાઇની દુકાનો પર ચહલપહલ વધવાની સાથે કેસર બદામ પિસ્તા,બદામપિસ્તા સાથે વિવિધ ફ્લેવર્ડ ઘારીની બોલબાલા જોવા મળી હતી.
સુરતમાં કિલોદીઠ 600થી માંડીને 1 હજાર રૂપિયા સુધીના ભાવે ઘારીનું વેચાણ થઇ રહ્યું છે.સુરતમાં સુમુલ ડેરી દ્વારા ત્રણ દિવસમાં જ 100 ટન ઘારી, 12 ટન સુગર ફ્રી ઘારી અને 25 ટન માવાનું વેચાણ થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે.તેને જોતાં સુરતમાં આ વર્ષે 200 ટન ઘારી આરોગવામાં આવશે એવો મત વિક્રેતાઓ આપી રહ્યા છે.તે સાથે જ હજારો કિલો ભૂસું પણ વેચાશે.
સુગર ફ્રી અને ચોક્લેટ,મેંગો સહિતની ફ્લેવર્ડ ઘારીનું વેચાણ
સુરતમાં છેલ્લા એક દાયકાથી ફ્લેવર્ડ ધારી અને આરોગ્યપ્રદ કહી શકાય એવી સુગર ફ્રી ઘારીનું ચલણ પણ વધ્યું છે.વિવિધ મીઠાઇ વિક્રેતાઓ હવે સુગર ફ્રી ઘારી બનાવતા થયા છે.આ સિવાય કેટલાક જાણીતા વિક્રેતાઓ સોનાના વરખવાળી ઘારી પણ વેચી રહ્યા છે.સોનાના વરખવાળી ઘારીમાં મેંદાની જગ્યાએ કાજુનું લેઅર આવે છે.અંદર માવો અને ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ આવે છે.જ્યારે ચોક્લેટ,મેગો જેવી ફ્લેવર્ડ ઘારી પણ વેચાઇ રહી છે.

