પ્રશ્ન એ છે કે કોરોનાના ડર વચ્ચે ખાતાધારકોને પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં બૅન્ક પાસે ભેગા થવા દેવાશે ?
કૉર્પોરેટમાં આડેધડ ધિરાણ આપ્યા બાદ નબળી પડેલી યસ બૅન્ક માટે બુધવારે સાંજે ૬ વાગ્યા પછી અગ્નિપરીક્ષાનો સમય શરૂ થશે. ‘બૅન્ક કાચી પડી છે, નબળી પડી છે’ એવી વાત એક વર્ષથી ચાલતી હતી, પણ બે અઠવાડિયાંમાં જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારે નિયંત્રણ મૂકીને, બૅન્કમાં નવા રોકાણકારો લાવીને નવી ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઉમેરી દીધી છે. આ મૂડી ઉમેરી દેવાતાં બૅન્કની નવું ધિરાણ કરવાની અને નવું દેવું કરવાની ક્ષમતા વધી છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બૅન્કના વર્તમાન ડિપોઝિટર આ બૅન્કમાં ફરી વિશ્વાસ મૂકશે ખરા? બુધવારે સાંજે રિઝર્વ બૅન્કે મૂકેલા ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના નિયંત્રણ હટી જશે પછી ઉપાડ માટે ધસારો થશે કે નહીં?
સવાલ એ પણ છે કે જો બૅંકમાંથી ઉપાડ માટે ધસારો થાય તો એટલી મોટી સંખ્યામાં લોકોને બૅંકની આસપાસ કોરોનાના ભય વચ્ચે ભેગા થવા દેવાશે કે નહીં?
બૅન્કનું મૅનેજમેન્ટ જોકે સ્પષ્ટ છે કે બૅન્કની હાલત હવે સુધરી ગઈ છે અને બૅન્ક પર ભરોસો પણ વધશે, કારણ કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને બંધન બૅન્ક જેવા રોકાણકારો આવ્યા છે. બૅન્કનું બોર્ડ નવું બન્યું છે એટલે વાંધો આવશે નહીં.
બૅન્કમાં જમા રકમ સંપૂર્ણપણે સલામત હોવાનું કેન્દ્ર સરકાર, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ ૬ માર્ચથી આજ સુધીમાં અનેક વખત કહી ચૂક્યા છે અને વિશ્વાસ પણ આપી ચૂક્યા છે.
જ્યારે મોરેટોરિયમ અમલમાં હતું ત્યારથી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ ઉપાડવા માટે છૂટ હતી. જે લોકો આ ઉપાડ માટે લાયક હતા તેમના ત્રીજા ભાગના લોકોએ જ ઉપાડ કર્યો છે એમ બૅન્કના નવા નિમાયેલા સીઈઓ પ્રશાંત કુમારે આજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બૅન્ક પાસે અત્યારે પૂરતો રોકડ પ્રવાહ છે. બ્રાન્ચમાં અને એટીએમમાં પણ પૂરતી રકમ છે એટલે આવતી કાલે નિયંત્રણ હટે પછી પણ કોઈ વાંધો આવે એવી સ્થિતિ નથી. અહીં નોંધવું ઘટે કે માર્ચ ૨૦૧૯ પછી બૅન્કમાંથી નાણાંનો ઉપાડ સતત ચાલુ થઈ ગયો છે.
જોકે રાજ્ય સરકારોએ પોતાના વિભાગને પ્રાઇવેટ બૅન્કોમાં રકમ નહીં રાખવાનો આદેશ કર્યો છે અને એને કારણે સ્થિતિ બગડી શકે છે. અલબત્ત, રિઝર્વ બૅન્કે રાજ્ય સરકારોને આ રીતે ઉપાડ નહીં કરવાનો પણ આગ્રહ કર્યો છે એટલે બૅન્કની કામગીરી કેવી રહેશે એ તો આવનારો સમય જ કહેશે.