આઝાદી ભીખમાં મળી હતી તેવુ નિવેદન આપીને એક્ટ્રેસ કંગના ચારે તરફથી ઘેરાઈ છે.હવે બોલીવૂડ સંગીતકાર વિશાલ દદલાનીએ પણ કંગના પર પ્રહારો કર્યા છે.વિશાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ મુકી છે.જેમાં તે શહીદ ભગતસિંહની તસવીરવાળી કાળા રંગની ટી શર્ટ પહેરીને નજરે પડી રહ્યા છે અને સાથે તેમણે લખ્યુ છે કે, એ મહિલા(કંગના)ને કોઈ યાદ અપાવો જેણે કહ્યુ હતુ કે, આઝાદી ભીખમાં મળી છે.
મારી ટી શર્ટ પર ભગતસિંહનો ફોટો છે.જે નાસ્તિક, કવિ,સ્વાતંત્ર્ય સેનાની અને ખેડૂતના દિકરા હતા.24 વર્ષની વયે દેશ માટે તેઓ ફાંસી પર ચઢી ગયા હતા.આગળ વિશાલે લખ્યુ છે કે, સુખદેવ-રાજગુરુ-અશફાકઉલ્લાહ જેવા હજારો શહીદો જેમણે ઝુકવાનો ઈનકાર કરી દીધો હતો અને આ લોકોની યાદ એ મહિલાને અપાવો.જેથી તે ફરી ભુલવાની હિંમત ના કરી શકે.
વિશાલે પોતાના ફેન્સને કહ્યુ હતુ કે કંગનાને તમે શાલીનતાથી આ વાતની યાદ દેવડાવજો. ઉલ્લેખનીય છે કે કંગનાના નિવેદન બાદ કેટલીક જગ્યાએ તેમની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે અને ઘણા રાજકીય પક્ષોએ તેનો પદ્મ શ્રી પાછો લેવાની અને તેના પર દેશદ્રોહનો કેસ કરવાની પણ માગ કરી છે.

