અમદાવાદ : ગુરુવાર : અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે આજે સવારે ગોવા જનાર મુસાફરો સમયસર પહોંચ્યા હોવા છતાં ઓફલોડ થતા હોબાળો મચી ગયો હતો.એટલું જ નહી એરલાઇનના સ્ટાફે મુસાફરોને કોઇ મદદ કે અન્ય વ્યવસ્થા સુદ્ધા કરી ન આપતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો.મુસાફરો બીજી ફલાઇટમાં ઉંચા ફેરમાં ટિકિટ લઇ ગોવા પહોંચવું પડયું હતું.
પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી ગોવા જતી સ્પાઇસજેટની ફલાઇટ સવારે ૫ઃ ૪૦ કલાકે ટેકઓફ થવાની હતી.ફલાઇટમાં ઓનબોર્ડ ૧૭૭ મુસાફરો સવાર હતા.પરિવાર સાથે ગોવા ફરવા જનારા મુસાફર દિલિપ ભાઇએ જણાવ્યુ કે’અમે એરપોર્ટ પર કલાક પહેલા ચેકઇન કાઉન્ટર પર પહોંચી ગયા હતા પરંતુ સ્પાઇસજેટની એક સાથે ત્રણ ફલાઇટો હોવાથી ભારે ભીડ હતી જેથી અમે સ્ટાફને વિનંતી કરી અમારુ પહેલા ચેકઇન કરવા જણાવ્યુ પણ તેઓ ટસનામસ થયા નહીં.આખરે ૪૫ મિનિટ પહેલા કાઉન્ટર બંધ કરી દેતા અમને ઓફલોડ કરી દીધા હતા.અમારી સાથે આવા અન્ય આઠ જેટલા મુસાફરોને કડવો અનુભવ થયો હતો તેમની ભુલ હોવા છતાં ટિકિટનું રિફંડ પણ આપ્યું નહી અને ટિકિટના પૈસા પાણીમાં પડી ગયા.ગોવામાં એડવાન્સ હોટલ બુકીંગ કરેલ હોવાથી બીજી ફલાઇટ ઉંચા ફેરમાં ટિકિટ લઇને બમણો ખર્ચ કરી ગોવા પહોંચ્યા હતા. ‘
મહત્વનુ એ પણ છે કે હાલમાં વેકેશન સિઝનનો લાભ લો કોસ્ટ એરલાઇન કંપનીઓ ઉઠાવી રહી છે,તેઓ રેવન્યુ જનરેટ કરવા નવી સ્ટ્રેટેજી અપનાવી રહી છે જે સામાન્ય મુસાફરને ખબર હોતી નથી,એરલાઇન કંપનીઓ ઘણી વખત ફલાઇટની સીટની ક્ષમતા કરતા ઓવરબુકીંગ કરી દેતી હોય છે.૧૮૯ સીટના એરક્રાફ્ટ સામે ૨૦૦ જેટલી સીટો બુક કરે ત્યારે આવા સંજોગોમાં મુસાફરોને યેનકેન પ્રકારે ઓફલોડ કરવામાં આવે છે.