આણંદ : આણંદ નગરપાલિકાની બાંધકામ શાખામાં કરવામાં આવેલ રીનોવેશનની કામગીરીમાં કેટલાક ભ્રષ્ટ સત્તાધીશો દ્વારા મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ શહેરમાં જોર પકડયું છે.નગરપાલિકા ખાતે લગાવવામાં આવેલ ૬ જેટલા એ.સી.ની કિંમતો બજાર કિંમત કરતાં ૨૫ થી ૩૦ હજાર વધારે બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનું એક આરટીઆઈમાં ખુલ્યું હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.આણંદ શહેરના એક જાગૃત નાગરિક દ્વારા તાજેતરમાં આણંદ નગરપાલિકામાં આરટીઆઈની અરજી કરી નગરપાલિકાના બાંધખામ શાખામાં ચાલી રહેલ રીનોવેશનની કામગીરીના ટેન્ડરની રકમ, કોન્ટ્રાક્ટરનું નામ તથા ફીટીંગ કરવામાં આવેલ વિવિધ વસ્તુઓના બીલોની વિગત તથા આ જગ્યાએ ફીટ કરવામાં આવેલ એ.સી.અને તેના ભાવપત્રકની ટેન્ડર પ્રક્રિયા અંગે માહિતી માંગવામાં આવી હતી.જેમાં નગરપાલિકા દ્વારા ૧.૭થી ૨ ટન કેપેસીટી ધરાવતા ૬ નંગ એ.સી. માટે રૂા. ૪,૭૭,૦૦૦ ખર્ચવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.આમ, પ્રતિ એ.સી.ની કિંમત ૭૯,૫૦૦ મુકવામાં આવી છે.
જો કે હાલમાં દોઢથી બે ટન એ.સી.ની બજારમાં કિંમત ૪૫ થી ૬૫ હજારની વચ્ચે ચાલી રહી હોવાની સાથે આણંદ નગરપાલિકા ખાતે ફીટ કરવામાં આવેલ ૬ એ.સી. બજાર કિંમત કરતાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયા વધુના ભાવે મુકી સરકારી નાણાંનો દુર્વ્યય કરાયો હોવાના આક્ષેપો થયા છે.સાથે સાથે આ રીનોવેશનની કામગીરી પોતાના મળતીયાઓને આપી નગરપાલિકાના ખર્ચમાં કટકી-બટકી કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ પણ ઊઠી છે.નગરપાલિકાના જ કેટલાક ભ્રષ્ટ સત્તાધીશો દ્વારા વિવિધ પ્રકારના કામો હાથમાં લઈ કમિશનથી જ પોતાના મળતીયાઓને કામો અપાવી પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠયા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે.