– અત્યાર સુધીમાં 20 હજાર લોકોએ સરહદી વિસ્તારથી અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કર્યું
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે.હમાસે દાવો કર્યો છે કે, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે.તે જ સમયે, ઇઝરાયેલ સરકારે કહ્યું કે, આ યુદ્ધ સમાપ્ત થયા પછી ગાઝા પટ્ટી પર હમાસનું શાસન રહેશે નહીં.એવામાં હમાસે જણાવ્યું કે, 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન ઇઝરાયેલથી ગાઝા પટ્ટીમાં લાવવામાં આવેલી વધુ બે મહિલા બંધકોને મુક્ત કરી દેવામાં આવી છે.હમાસે એક નિવેદન આપતા જણાવ્યું કે, કતાર અને ઇજિપ્તની મધ્યસ્થી બાદ માનવીય કારણોસર બંનેને મહિલાઓને મુક્ત કરવામાં આવી છે.હજુ આ અંગે ઇઝરાયેલના કોઈ અધિકારીઓએ પુષ્ટિ કરી નથી.પરંતુ ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મહિલાઓને ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની રફાહ બોર્ડર પર લઈ જવામાં આવી હતી.
લેબનોન પર પણ ઈઝરાયેલના હુમલા વધ્યા
આજે ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધનો 18મો દિવસ છે.ગાઝા બાદ હવે લેબનોન પર પણ ઈઝરાયેલના હુમલા વધી રહ્યા છે.યુએન માઈગ્રેશન એજન્સી અનુસાર, લેબનોનની દક્ષિણી સરહદ પર રહેતા લોકો સુરક્ષાના પગલે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં સ્થળાંતર કરી રહ્યા છે. UNના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 20 હજાર લોકો સરહદી વિસ્તારથી અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે અને આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.તેમાંથી ઘણાને રહેવા માટે જગ્યા નથી, તેથી તેઓ તેના સગાવાલાના ઘરે સ્થળાંતર કરી રહ્યા છે.ઘણી શાળાઓ હવે શરણાર્થી શિબિરોમાં ફેરવાઈ રહી છે.
ઇઝરાયલ- હમાસ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાયુ
ઇઝરાયલ- હમાસ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.એક તરફ આરબ દેશો,ઇરાન,રશિયા અને ચીન,પેલેસ્ટાઈનીઓને સાથ આપે છે,તો બીજી તરફ અમેરિકા,બ્રિટન,જેવા પશ્ચિમના દેશો ખુલ્લી રીતે ઇઝરાયલને સાથ આપે છે.અમેરિકાના પ્રમુખ જો બાયડન,બ્રિટશ પીએમ ઋષિ શુનક અને જર્મન ચાન્સેલર ઓલેફ શુલ્ઝ ઇઝરાયલની મુલાકાત લઈ ચુકયા છે.હવે ગ્રીસના વડાપ્રધાન કીરીયા કોસ,મિત્સોટાકિસ પણ ગઈકાલે ઇઝરાયલ પહોંચ્યા હતા.તે ઉપરાંત નેધરલેન્ડના પીએમ માર્ક-રૂટ અને ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો પણ ઇઝરાયલ જવાના છે.