ઈસ્લામાબાદ : તા. 02 જૂન 2022, ગુરૂવાર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે.એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને એવો દાવો કર્યો હતો કે, જો સરકાર યોગ્ય નિર્ણયો નહીં લે તો આગામી દિવસોમાં પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે અને તેમને દેશ 3 હિસ્સાઓમાં વહેંચાઈ જશે.ઈમરાન ખાનના કહેવા પ્રમાણે પાકિસ્તાન દેવાળું ફૂંકવાની અણીએ ઉભું છે.તેમના મતે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો તેમનો દેશ આત્મહત્યાની દિશામાં આગળ વધી રહ્યો છે.ઈન્ટરવ્યુ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે,’અહીં વાસ્તવિક સમસ્યા પાકિસ્તાનની સરકારની છે.જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો હું લેખિતમાં આપી શકું છું કે,તેઓ ખતમ થઈ જશે.સૌથી પહેલા આપણી સેના બરબાદી તરફ જશે.જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી રૂપિયો અને સ્ટોક માર્કેટ ઘટી રહ્યા છે.ચારેબાજુ અફરા-તફરીનો માહોલ છે.’
ઈમરાન ખાને ચેતવણી આપતા કહ્યું હતું કે,એક વખત અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જશે તો દેશ ડિફોલ્ટ થઈ જશે.એ સંજોગોમાં સમગ્ર વિશ્વ પાકિસ્તાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ તરફ આગળ વધવા માટે કહેશે જેવું યુક્રેને 1990ના દશકામાં કર્યું હતું.આ સાથે જ પદભ્રષ્ટ કરવામાં આવેલા ભૂતપૂર્વ વડાપ્રધાને એવો દાવો કર્યો હતો કે,વિદેશમાં ભારતની થિન્કટેન્ક બલૂચિસ્તાનને અલગ કરવા વિચારી રહી છે,આ તેમની યોજના છે માટે જ હું દબાણ કરી રહ્યો છું.


