સુરત:‘દરવાજો લોક કરી યુગલોના ઉપયોગમાં આવી રહેલાં કપલ બોક્સ નિયમની અવગણના બરાબર છે’તેવી દાદ રજૂ કરી શહેર પોલીસ કમિ.અજય તોમરે આ બદીને ડામવાના આદેશ સાથે શહેરના તમામ પીઆઈને સુચના આપી છે.તેવી જ રીતે પાલિકા કમિશનર પાનીએ પણ ગુમાસ્તા રેકર્ડ ઉપર એક પણ કપલ બોક્સની નોંધ નહીં હોવાના દાવા સાથે પાલિકા કમિશનેરેટમાં આ પ્રવૃત્તિ આવતી ન હોવાં છતાં આ અંગે તકેદારી રાખવાની વાત કરી છે.કુમળી વયના પ્રેમી પંખીડા પ્રાયવેસી શોધવા કપલ બોક્સના જોખમી એકાંતના લીધે વેસ્ટર્ન કલ્ચરના રવાડે ચઢ્યા હોવાની ગંભીરતાએ વડિલોએ પણ સંસ્કૃતિની હત્યાએ મોર્ડન યુગ ન જોઇતું હોવાનો રાગ આલાપ્યો છે.
‘દિવ્ય ભાસ્કર’એ કપલ બોક્સનો અહેવાલ ગઇ તા.21મી જાન્યુ.એ રજૂ કર્યો હતો.જેના પગલે શહેરના સભ્ય સમાજ સહિત મહિલા સંગઠનોએ દીકરીઓની લાજ જાળવી રાખવા આવાં અપારદર્શક બોક્સના ધંધા ઉપર નિયમની લગામ કસવા માંગ કરી હતી.વેસ્ટર્ન કલ્ચર સમાન કપલ બોક્સ અંગે શહેરના પાલિકા તેમજ પોલીસ કમિશનરે મંતવ્યો રજૂ કર્યાં હતાં.
બંધ બોક્સવાળા કેફેને ગુમાસ્તાની મંજૂરી નથી
કપલ બોક્સ ગુમાસ્તા ધારા હેઠળ ન હોય આ કામગીરી પાલિકા દાયરામાં આવતી નથી. શહેરમાં આવી પ્રવૃત્તિને બળ ન મળે તે માટે સ્ટાફને તકેદારી રાખવા સુચના અપાશે. > બચ્છાનિધિ પાની,કમિશનર,સુરત મહાનગરપાલિકા
બોક્સના બંધ દરવાજા નિયમની અવગણના છે
કપલ બોક્સની માહિતી એકત્ર કરાઇ છે.બંધ દરવાજા એ નિયમની અવગણના છે. તમામ પીઆઈને કપલ બોક્સની તપાસ કરવા જણાવાયું છે.બંધ કેબિનો વાળા બોક્સ બંધ કરાવવા સુચના આપી છે.>અજય તોમર, સીપી