કોલંબો,12 મે,2022,ગુરુવાર : રાજકારણમાં લોકપ્રિયતા અને બહુમતિના આંકડાના ખેલમાં પાસા પોબારા પડે તે જ સત્તાના સિંહાસને બેસી શકે છે પરંતુ આખી પાર્ટીના ઉમેદવારો હારી ગયા, સમગ્ર દેશમાં ચુંટણીમાં ભારે પછડાટ ખમવી પડી તેમ છતાં એક નેતાને વડાપ્રધાન બનવાની તક મળી છે.વાત છે શ્રીલંકાના નવા નિમાયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘની છે.2020માં શ્રીલંકામાં ચુંટણી યોજાઇ ત્યારે 225 સંસદિય બેઠકમાંથી રાનિલ વિક્રમસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)એક પણ બેઠક મળી ન હતી.ખુદ પોતે યુએનબીનો ગઢ ગણાતા કોલંબોમાંથી ચુટણી હારી ગયા હતા.જો કે ત્યાર પછી કમ્યૂલેટિવ નેશનલ વોટના આધારે રાનિલ વિક્રમસિંઘે સંસદ સુધી પહોંચ્યા હતા.આટલો કંગાળ દેખાવ છતાં નસીબની બલિહારીથી શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે.
શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક કટોકટીના પગલે રાજકિય અરાજકતા ઉભી થઇ છે.સત્તામાં બિરાજમાન રાજપક્ષે પરીવારને મોંઘવારી અને ગરીબી માટે લોકો જવાબદાર ગણી રહયા છે.રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહેન્દ્ર રાજપક્ષે બંને સગા ભાઇઓ દેશનું શાસન સંભાળતા હતા.ગોટાબાયા હજુ રાષ્ટ્રપતિ પદ પર ચિટકી રહયા છે જયારે મહેન્દ્ર રાજપક્ષેએ દેશની ભૂંડી દશા બદલ રાજીનામું આપવું પડયું. રાજપક્ષે પરીવાર અને સરકારમાં સામેલ મંત્રીઓ વિરુધ લોકોનો આક્રોશ એટલો વધી ગયો કે તેમના નિવાસસ્થાન પણ આગને હવાલે કરી દીધા.
હંબનટોટામાં રાજપક્ષે પરીવારનું પૈતૃક નિવાસસ્થાનને પણ બાળીને ખાખ કરી નાખ્યું. રાજીનામુ આપનારા પીએમ મહેન્દ્ર રાજપક્ષે અને વર્તમાન રાષ્ટ્રપતિ રાજપક્ષેની ઇચ્છા વિપક્ષના લોકોને સરકારમાં જોડીને આર્થિક કટોકટીનો સામનો કરવાની રણનીતિ તૈયાર કરવાનો રહયો છે.સત્તામાં ભાગીદાર બનવા માટે વિપક્ષોને અગાઉ પણ આમંત્રણ આપવામાં આવતા હતા પરંતુ વિપક્ષો શ્રીલંકાની બેહાલી માટે રાજપક્ષે પરીવારના શાસનને જવાબદાર માનીને દૂર રહેતો રહયો હતો.
શ્રીલંકામાં સત્તાના સિંહાસને બેઠેલા માટે વિદેશી દેવાના ભારણમાં ડૂંબેલા દેશનું અર્થતંત્ર સંભાળવું અને લોકોના રોષને શાંત પાડવોએ એ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું હતું. આથી જ તો વિપક્ષમાં રહીને વિરોધ કરનારા રાનિલ વિક્રમસિંઘેને વડાપ્રધાન પદ સોંપવામાં આવ્યું છે.દેશ પર આવેલી આપત્તિ તેમના માટે અવસર બની ગઇ છે વિક્રમસિંઘે અગાઉ 4 વાર વડાપ્રધાન રહી ચુકયા છે.તેઓ દુરંદેશી અને અર્થતંત્રના નિષ્ણાત માનવામાં આવે છે.