અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓની જાહેરાત શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે રવિવારે નવા સંગઠનની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં પાર્ટીએ ઇસુદાન ગઢવીની નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુની નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઇ છે.આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્ય પ્રભારી સંદીપ પાઠકે એક પત્રકાર પરિષદમાં રવિવારે પાર્ટીના 850 પદાધિકારીઓનું સંગઠન જાહેર કર્યું હતું.
પ્રભારી સંદીપ પાઠકે કહ્યું હતું કે,‘આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રામાં જનતાનો અભૂતપૂર્વ સમર્થન મળ્યો છે.ગુજરાતની જનતા આશાભરી નજરે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહી છે અને યાત્રા દરમિયાન લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ સાથે અમે“ગામડું બેઠક” કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું.જેમાં અમે 10,000 ગામડાઓમાં જન સંવાદ કર્યો.અમે સમજી ગયા છીએ કે ગુજરાતના લોકો પરિવર્તન માટે તૈયાર છે,તેઓ માત્ર વિકલ્પ શોધી રહ્યા છે.વિકલ્પ તરીકે,જનતા માત્ર એ જોવા માંગે છે કે કયો પક્ષ ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને ફેંકી દે છે.’
તેમણે કહ્યું હતું કે,‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પરિવાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.અને જ્યારે પરિવાર મોટો થાય છે ત્યારે તમારે તમારા સંગઠનને સમાન સ્તરે વધારવાની જરૂર છે.આ પ્રક્રિયાને આગળ ધપાવીને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા થોડા દિવસો પહેલા પ્રદેશનું સંગઠન ભંગ કરવામાં આવ્યું હતું.સંગઠનને ભંગ કરવાનું કારણ એ હતું કે ચૂંટણીને અનુલક્ષીને નવા લોકોને તેમની ક્ષમતા પ્રમાણે કામ આપવાનું હતું અને સંગઠનને ફરીથી ગોઠવવાનું હતું.આજે અમે જે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ તેમાં અમે 850 લોકોને સ્થાન આપ્યું છે.આવી 3-4 વધુ યાદીઓ હશે.આજની પરિસ્થિતિ કહું તો આમ આદમી પાર્ટીએ ગામડે ગામડે પોતાનું સંગઠન બનાવ્યું છે.અમે દરેક ગામમાં 11 લોકોનું સંગઠન બનાવ્યું છે.
આ પછી બૂથ લેવલનું સંગઠન પણ થોડા દિવસોમાં તૈયાર થઈ જશે.આજે અમે બ્લોક લેવલ સુધીના સંગઠનની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ.આ સંગઠનમાં વિવિધ પાંખો,પ્રદેશ લીડરશીપ,લોકસભા લીડરશીપ અને જિલ્લા સંગઠનો પણ જાહેરાત કરી રહ્યા છે.આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તૈયાર છે અને આ વખતે ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ લડાશે.’ગુજરાત પ્રદેશના ચૂંટણી પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે,‘આવનારી ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ લડાશે.છેલ્લા 27 વર્ષમાં પહેલીવાર ભાજપને અહેસાસ થશે કે તે કોઈ પાર્ટી સાથે લડવા જઈ રહી છે.આગામી ચૂંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા હશે.’ઇસુદાન ગઢવીએ કહ્યું કે,‘પાર્ટીએ મારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પર ખરો ઉતરવાનો હું પૂરો પ્રયાસ કરીશ.તમામ નવનિયુક્ત પદાધિકારીઓ માટે અમે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ જે તમામ પદાધિકારીઓને વધુ ઉર્જા આપશે.’