– સુરત પાલિકાની ચુંટણીમાં અચાનક મળેલી જીત બાદ આપ પોતાના કોર્પોરેટરોને સાચવવામાં નિષ્ફળ
સુરત, તા. 21 એપ્રિલ 2023 શુક્રવાર : સુરત મહાનગરપાલિકાના વધુ બે કોર્પોરેટરો આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.ભાજપમાં આપના કોર્પોરેટર જોડાયા પહેલાં આપે બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા હતા.પરંતુ આપે જે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા તેના બદલે બીજા જ કોર્પોરેટર ભાજપમાં જોડાતા આપના વધુ કોર્પોરેટરો ભાજપમાં જોડાશે તેવી અટકળ તેજ બની ગઈ છે.
હજી એક કોર્પોરેટર ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
સુરતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે.સુરતમા કોર્પોરેશનની ચૂંટણીમાં ચુંટાઈ આવેલા 27 કોર્પોરેટમાંથી અત્યાર સુધી 10 જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે.ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે બે કોર્પોરેટરોની હકાલ પટ્ટી કરવામાં આવી હતી તેમાંથી એક કોર્પોરેટર સહિત અન્ય એક કોર્પોરેટરએ કેસરિયો ધારણ કર્યો છે.જ્યારે પાર્ટી દ્વારા કાઢી મૂકવામાં આવેલ હજી એક કોર્પોરેટર ટુંક સમયમાં ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.સુરત કોર્પોરેશનની ચુંટણીમાં 27 બેઠક પર જીત મેળવી વિપક્ષમાં આવેલ આમ આદમી પાર્ટીમા ધીરે ધીરે મોટું ભંગાણ સર્જાયું છે.એક બાદ એક પાર્ટીના કોર્પોરેટરો પાર્ટીનો છેડો ફાળી ભાજપ જોડાઈ રહ્યા છે.થોડા દિવસો પહેલા આપ પાર્ટીના છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.ત્યારે હવે વધુ બે કોર્પોરેટર ભાજપ મા જોડાયા છે.આજરોજ વોર્ડ નબર ૩ ના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નંબર બે ના કોર્પોરેટર અલ્પેશ પટેલ સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્તે ખેસ ઘારણ કરી ભાજપમાં જોડાયા હતા.આ સાથે આપના 27 કોર્પોરેટરોમાંથી અત્યાર સુધીમાં 12 કોર્પોરટરો આપનો સાથ છોડી ભાજપમાં જોડાઈ જતા હવે આપના 15 કોર્પોરેટર બચ્યા છે.
આપ પાર્ટીએ બે કોર્પોરેટરોની હાકલ પટ્ટી કરી
આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા છે.સુરતના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશ મોરડીયા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા હોવાનું જણાવી તેમણે પાર્ટીના સામાન્ય સભ્યપદેથી કાઢી મુકવામાં આવ્યા છે.જેમાંથી કનુ ગેડિયા ભાજપમાં જોડાયા છે.જ્યારે રાજેશ મોરડિયાનું રહસ્ય હજી અંકબંધ છે.આમ આદમી પાર્ટી દ્વારા આજે પાર્ટી વિરોધી ગતિવિધિઓનો હવાલો આપીને રાજેશ મોરડિયાને પ્રાથમિક સભ્ય પદેથી હકાલ પટ્ટી કરવામાં આવી છે.જો કે બીજી તરફ આજના રાજકીય ઘટનાક્રમમાં રાજેશ મોરડિયા કોઈ સ્થળે નજરે પડ્યા ન હતા.આપમાંથી પાણીચું મળ્યા બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વચ્ચે આજે રાજેશ મોરડિયાની ગેરહાજરીને પગલે હવે આગામી દિવસોમાં રાજેશ મોરડિયા આપના અન્ય કોર્પોરેટરો સાથે ભાજપમાં જોડાશે કે પછી પોતે જ એક – બે દિવસમાં ભાજપનો ખેસ ધારણ કરશે તેવી ચર્ચાઓ શરૂ થવા પામી છે.