મુંબઇ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એ સમારંભમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હાજર નહોતા રહ્યા.આમંત્રણપત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ ન હોવાથી તેઓ સમારંભથી દૂર રહ્યા હોવાનું જાણવા મળે છે.દિનાનાથ પ્રતિષ્ઠાન તરફથી આજે ષણ્મુખાનંદ હોલમાં યોજાયેલા સમારંભ પૂર્વે એવી અટકળ થતી હતી કે નરેન્દ્ર મોદી, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવશે.પરંતુ આજે મુખ્ય પ્રધાન સમારંભથી દૂર રહ્યાં હતા.શિવસેના તરફથી કેબિનેટ પ્રધાન સુભાષ દેસાઇએ હાજરી આવી હતી.બાકી મોટા ભાગના ભારતીય જનતા પક્ષના નેતાઓ આગલી હરોળમાં જોવા મળ્યાહતા.માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં વડાપ્રધાનને સન્માનનો કાર્યક્રમ હોય તેવા પ્રસંગે મુખ્યપ્રધાનનું આમંત્રણ પત્રિકામાં નામ પણ ના હોય તે ઉચિત ન હતું.એક સાદા આમંત્રિત તરીકે મુખ્યપ્રધાન હાજર રહેવા માગતા ન હતા.આ કાર્યક્રમમાં રાજ ઠાકરેની હાજરીની પણ અપેક્ષા સેવાતી હતી.અટકળો એવી હતી કે મોદી, ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ એક મંચ પર દેખા દેશે પરંતુ તેવું કોઈ રાજકીય ચિત્ર સર્જાયું ન હતું.ભાજપ અને શિવસેનાની યુતિ તૂટયા પછી બંને પક્ષો એકમેક પર પ્રહાર કરવાની તક ગુમાવતા નથી.શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીનો સાથમેળવી સરકાર રચ્યા પછી ભાજપ વિપક્ષની ભૂમિકા ભજવે છે.


