– પંજાબને ઉડતા નહીં પણ ઉઠતા પંજાબ બનાવશે પ્રાદેશિક પક્ષ તરીકે કેજરીવાલ પહેલાં એવા નેતા બન્યા છે કે જેમણે પોતાના ગઢની બહાર નીકળીને અન્ય રાજ્યમાં સત્તા હાંસલ કરી છે
નવી દિલ્હી : પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચમત્કાર સર્જ્યો છે.પરંપરાગત શાસનમાં અટવાયેલા પંજાબના મતદારોએ પરિવર્તનનો માર્ગ પકડયો હતો.આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે પંજાબના મતદારોની પસંદે રાજકીય પક્ષોમાં સોપો પાડી દીધો છે.
આમ આદમી પાર્ટીએ ઝાડુ નહીં પણ વેક્યુમ ક્લિનર ફેરવીને વિરોધીઓનો સફાયો કરી નાખ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ખુબ ઉત્સાહમાં છે.તે કહે છે કે પંજાબમાં જેવું પરિવર્તન થયું છે એવું હવે આખા દેશમાં જોવા મળશે.
કેજરીવાલે કહ્યું છે કે પક્ષને મળેલો પ્રચંડ વિજય દર્શાવે છે કે કેજરીવાલ ત્રાસવાદી નથી.કુમાર વિશ્વાસે આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલ મુખ્ય પ્રધાન બનવા ભાગલાવાદી તત્વોનો પણ ટેકો લઇ શકે છે.જોકે આજના પંજાબ પરના વિજયથી કેજરીવાલ ખુખુશાલ છે કેમકે પંજાબના લોકોેએ તેમને બમ્પર જીત અપાવીને તેમની સામેના તમામ આક્ષેપોને ઘોઇ નાખ્યા છે.
અસરકારક વ્યૂહ રચના
આમ આદમી પાર્ટીની પંજાબમાં ભવ્ય જીત એ દરેક રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપ માટે નવેસરથી ચૂંટણી વ્યૂહ રચના કરવાનું સૂચવે છે.કોંગ્રેસને નવજોત સિંહ સિધ્ધુ ભારે પડયો હતો.દલિત મુખ્ય પ્રધાન ચરનજીત સિંહ ચેન્નીને પ્રચાર મત ખેંચી શક્યો નહોતા.કોંગ્રેસે જાહેરસભાઓ કરી જ્યારે કેજરીલાલે મહોલ્લા બેઠકો કરી હતી.કેજરીવાલની દિલ્હી સિસ્ટમ પંજાબના લોકોને ગળે ઉતરી ગઇ હતી.
સ્વતંત્ર રાજ્ય
દિલ્હીમાં કેજરીવાલની સ્વતંત્રતા પર લોફટનન ગવર્નરે અનેક વાર તરાપ મારી હતી.મુખ્યપ્રધાન કેજરીવાલ અને લેફટનના ગવર્નર વચ્ચેનો વિવાદ નોન સ્ટોપ ચાલુ રહેતો હતો.પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્વતંત્રતા મળશે.કેજરીવાલ પાસે અનેક આઇડયા છે. દિલ્હીમાં તેમના હાથ બંધાયેલા હતા.કોંગ્રેસના આડેધડ નિર્ણયોનો તેમણે લાભ ઉઠાવ્યો હતો.નવજોત સિંહ સિધ્ધુએ જ્યારે કોંગ્રેસ સામે બંડ પોકાર્યું ત્યારથી કેજરીવાલ પંજાબ માટે સક્રીય બની ગયા હતા.
મમતાથી કેજરીવાલ આગળ નીકળ્યા
પ્રાદેશિક પક્ષ તરીકે કેજરીવાલ પહેલાં એવા નેતા બન્યા છે કે જેમણે પોતાના ગઢની બહાર નીકળીને અન્ય રાજ્યમાં સત્તા હાંસલ કરી છે.તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીએ આ વખતે ગોવામાં ફરીવાર પ્રયાસ કર્યો હતો.ગોવામાં મમતાના પક્ષને કોઇ બેઠક મળી નહોતી.સામે છેડે કેજરીવાલે સ્પષ્ટ બહુમતીથી પંજાબ કબજે કર્યું હતું.શરદ પવારના એનસીપીએ પણ એકાદ રાજ્યમાં સત્તા મેળવવા પ્રયાસોે કર્યા હતા પરંતુ તે ફાવ્યા નહોતા.પ્રદેશિક પક્ષો તૂટી રહ્યા છે જ્યારે કેજરીવાલ પ્રસરી રહ્યા છે.
પંજાબની સમસ્યાઓ
પંજાબમાં શાસન કરવું અટપટું છે પંજાબના લોકો બહુ સંવેદનશીલ છે.આ સરહદી રાજ્ય ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલું છે,પંજાબનું યુવા ધન ડ્રગ્સના રવાડે ચઢેલું છે.આંતરીક રાજકીય ડખા પણ અનેક છે. સરહદી રાજ્ય હોવાના કારણે રાજ્ય પર હોરાફેરીના અનેક આક્ષેપો થયા છે.પંજાબમાં ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધન પર બનેલી ફિલ્મ ઉડતા પંજાબ બહુ ચર્ચાસ્પદ બની હતી.હવે આમ આદમી પાર્ટી પંજાબને ઉડતા નહીં પણ ઉઠતા પંજાબ બનાવશે.