– આજે સુરતમાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજાશે, તો સાંજે 7 વાગ્યે જનસભા યોજાશે
સુરત : સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા છે.અરવિંદ કેજરીવાલ સુરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.કેજરીવાલ આજે રોડ શો યોજીને મતદારોનો આભાર માનશે.રોડ શો બાદ કેજરીવાલ સુરતના સરથાણામાં જાહેર સભા સંબોધશે.ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાંથી સુરતમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે.પહેલીવાર ગુજરાતમાં આપને 27 બેઠક મળતાં કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પહોંચ્યા છે.સુરત એરપોર્ટ પર પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું.આજે તેઓ સર્કિટ હાઉસમાં ગુજરાતમાં આપના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે. તો સાથે જ બપોરે 3:00 વાગે સુરતના મીની બજાર માનગઢ ચોકથી કેજરીવાલના રોડ-શોનું આયોજન કરાયું છે. આ રોડ શો,મીની બજાર (માનગઢ ચોક),હિરાબાગ,રચના સર્કલ,કારગીલ ચોક,કિરણ ચોક,યોગી ચોક,સીમાડા નાકા,સરથાણા જકાતનાકા સુધી રોડ-શો યોજાશે.તો સાંજે 7.00 કલાકે જનસભા યોજાનાર છે.જેના બાદ તેઓ સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
અરવિંદ કેજરીવાલને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે.તો સાથે જ તેમને જોઈને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે.ફૂલહાર સાથે કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કેજરીવાલને જોઈને આપ ગુજરાતમાં નવો જુસ્સો આવ્યો હોય તેવું કાર્યકર્તાઓને અનુભવાયું હતું.જોકે, કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યુંહતું.તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ તરફ જવા રવાના થયા હતા.


