– કન્ટેઈનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ ખોડિયાર ડેપોથી પોર્ટ સુધી રેલવે કન્ટેઈનરમાં માલ મોકલવાના નૂર વધાર્યા
અમદાવાદ,બુધવાર : કન્ટેઈનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ અમદાવાદના ખોડિયાર ડેપોથી જુદાં જુદાં પોર્ટ પર નિકાસ માટે માલ મોકલવાના રેલવે કન્ટેઈનર્સના ચાર્જમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો કરી દીધો છે.આગામી પહેલી જૂન ૨૦૨૨થી આ નવા દર અમલમાં આવી જશે.આ વધારો અંકલેશ્વર કન્ટેઈનર ડેપો,વડોદરા કન્ટેઈનર ડેપોથી માલની કરવામાં આવતી હેરફેર માટેના રેલવે કન્ટેઈનરને પણ લાગુ પડશે.નિકાસ કરનારાઓની માફક આયાત કરનારાઓએ પણ મુન્દ્રા,પીપાવાવ,મુંબઈના જેએનપીટી કે હજીરા બંદરેથી કન્ટેઈનર ડેપો સુધી ક લેન્ડ કસ્ટમ્સ સુધી માલ લાવવા માટે રેલવે કન્ટેઈનર્સના વધુ ચાર્જ ચૂકવવા પડશે.
અમદાવાદના ખોડિયાર કન્ટેઈનર ડેપો પરથી મુંબઈના જેએનપીટી પોર્ટ પર રેલવે કન્ટેઈનર મારફતે નિકાસનો માલ મોકલવા માટે ૨૦ ટન માટે રૃા. ૧૧,૭૦૦ લેવાતા હતા તે વધારીને રૃા. ૧૭,૪૦૦ કરી દેવામાં આવ્યા છે.આ જ રીતે ૪૦ ફૂટના કન્ટેઈનર લૉડના રૃા. ૨૭,૦૦૦ હતા તે વધારીને રૃા. ૨૯,૫૦૦ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદના ખોડિયાર કન્ટેઈનર ડેપોમાંથી મુન્દ્રા બંદરે ૨૦ ટન સુધીનો માલ રેલવે કન્ટેઈનરથી મોકલવા માટેના ચાર્જ રૃા. ૧૧,૭૦૦ હતા તે વધારીને રૃા. ૧૨,૩૦૦ કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે ૪૦ ફૂટના આખા કન્ટેઈનરના ચાર્જ રૃા. ૧૯,૯૦૦ હતા તે વધારીને ૨૧,૨૦૦ કરી દેવામાં આવ્યા છે.અલબત્ત ખોડિયારથી પિપાવાવ બંદરે રેલવે કન્ટેઈનરમાં ૧૦ ટન સુધીનો ચાર્જ રૃા. ૮૨૦૦નો જાળવી રાખવામાં આવ્યો છે.તેવી જ રીતે ખોડિયારથી પિપાવાવના ૪૦ ફૂટના કન્ટેઈનરનો રેટ ૧૪,૮૦૦નો કરવામાં આવ્યો છે