નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોગ્રેંસના સુપ્રીમો મમતા બેનર્જી ચૂંટણી પ્રચારને લઈને બુધવારે વારાણસી પહોંચ્યા હતા.તેઓ સપાના મુખિયા અખિલેશ યાદવ સાથે ગુરૂવારે વારાણસીમાં એક રેલી કરશે.આ પહેલા મમતા બેનર્જી દશાશ્વમેધ ઘાટની આરતી જોવા માટે ગયા હતા.આ દરમિયાન બીજેપી સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.જવાબમાં મમતા સમર્થકોએ પણ નારા લગાવ્યા હતા.અખિલેશ યાદવે મમતા બેનર્જી પર કાળા ઝંડા બતાવવાનો આરોપ લગાવતા ભાજપના કાર્યકરો પર કટાક્ષ કર્યો હતો.
દશાશ્વમેધ ઘાટમાં આરતી સ્થળ પર પહોંચતા જ બીજેપી સમર્થકોએ મેદી-મોદી ના સૂત્રોચ્ચાર કર્યા હતા.મમતા બેનર્જીના સમર્થકો પણ મમતા દીદીના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.બન્ને સમર્થકોની વચ્ચે સૂત્રોચ્ચાર થયા હતા.આનાથી નારાજ થયેલ મમતા ઘાટની સીડી પર બેસી ગયા હતા.જોકે,તેમની આરતીમાં બેસીને જોવાની વ્યવસ્થા કરવામાં કરવામાં આવી હતી પરંતુ વિરોધથી નારાજ મમતા બેનર્જીએ સીડી પર બેસીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભીડને હટાવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
સમાજવાદી પાર્ટીના મુખિયા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે,ભાજપની હાલત ખરાબ છે કારણ કે,દીદી અને ભાઈ સાથે છે.પશ્ચિમ બંગાળમાં થયેલ શરમજનક હારના આઘાતમાંથી ભાજપ હજુ પણ બહાર નથી આવી.એટલા માટે મમતા બેનર્જીને બનારસમાં કાળા ઝંડા બતાવી રહ્યા છે.આ ભાજપાની હતાશાનું બીજુ રૂપ છે કારણ કે,તેઓ જાણે છે કે,તેઓ યુપીમાં પણ ખરાબ રીતે હારી રહ્યા છે.

