મુંબઈની આરે કોલોનીમાં છેલ્લા બે રવિવારથી મેટ્રો કાર શેડના બાંધકામ સામે આંદોલન ચાલી રહ્યું છે.સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને રદ કરવામાં આવે તેવી લોકોની માગ છે.અત્યાર સુધી આમ આદમી પાર્ટી (AAP),શિવસેના અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ આ નિર્ણયના વિરોધમાં આંદોલનમાં જોડાઈ છે.તે જ સમયે આજે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ આંદોલનમાં જોડાયા હતા.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે “અમને ખબર નથી કે સરકાર બદલાતા જ આરેના જંગલને કાપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.જ્યારે એકનાથ શિંદે અમારી સાથે હતા,ત્યારે તેઓ આરેના જંગલને બચાવવા માટે મહા વિકાસ આઘાડી સરકારના સમર્થનમાં હતા.સરકારને જે નારાજગી અમારા પ્રત્યે છે,જે ગુસ્સો છે તે મુંબઈ અને મુંબઈની જનતા પર ન કાઢવો જોઈએ.મને ટકાવારી સમજાતી નથી.આરેના જંગલમાં 25-50% સુધી કંઈ કામ થયું નથી.તમે જાતે જઈને જોઈ શકો છો.માત્ર શિવસેના જ નહીં,પરંતુ માનવતામાં માનતા તમામ લોકોએ જંગલને બચાવવા માટે રસ્તા પર આવવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે “વિશ્વનું તાપમાન વધી રહ્યું છે,વરસાદ ઓછો અને વધુ થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ જંગલોનો વિનાશ છે.અમે વિકાસના વિરોધી નથી,પરંતુ આરેના જંગલનો નાશ કરીને વિકાસ થઈ શકે નહીં.હું મહા વિકાસ આઘાડી સરકારમાં પર્યાવરણ મંત્રી હતો.અમે આરેને જંગલ જાહેર કર્યું હતું. આજે આપણે મુંબઈ માટે લડી રહ્યા છીએ.અન્ય પક્ષો જેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આ આંદોલનમાં જોડાયા છે.”આદિત્ય ઠાકરેએ કહ્યું કે “અમે આરેમાં બધા મેટ્રો કાર શેડના નિર્માણની વિરુદ્ધ છીએ.મહા વિકાસ આઘાડીએ 800 એકરથી વધુ જમીનને જંગલ તરીકે જાહેર કરી હતી.અમારી સરકાર આવ્યા પછી,અમે મેટ્રો કાર શેડ અને મેટ્રો વિશે વધુ અભ્યાસ કર્યો અને પછી અમને ખબર પડી કે મેટ્રો કાર શેડ 3 કાંજુરમાં પણ બનાવી શકાય છે,તેથી આરેમાં મેટ્રો કાર શેડ બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો.”