એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે:નવો કોન્ટ્રાક્ટ અપાયો નથી:કર્મચારીઓની નોકરી મફતમાં ચાલુ
રાજ્યભરના આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો નથી અને હજુ ક્યારે મળશે તેના કોઈ ઠેકાણા નથી.આમાં ચોકાવનારી બાબત તો એ છે કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓપુરા પાડવા માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેનો કરાર તારીખ 6 જાન્યુઆરી એ પૂરો થઈ ગયો છે નવો કોન્ટ્રાકટ અપાયો નથી અને આમ છતાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી મફત માં નોકરી કરી રહ્યા છે.
ગુજરાતના અનેક જિલ્લામાં આ પ્રકારે પ્રશ્ન ઉભો થયો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામુહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ પોતાને ક્યારે પગાર મળશે તેવા સવાલો પૂછી રહ્યા છે પરંતુ નક્કર જવાબ આપવાની સ્થિતિમાં કોઈ નથી.
એક એજન્સી નો કરાર પૂરો થઈ ગયો છે અને રોજગાર વિભાગ દ્વારા નવી ટેન્ડરિંગ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.નવેમ્બર અને ડિસેમ્બર માસનો પગાર મળ્યો નથી અને જાન્યુઆરીમાં માસનો પગાર કોણ ચૂકવશે કેમ ચૂકવશે તે હજુ નક્કી નથી.
જ્યારે કોઈ એજન્સી ફિક્સ ન થઈ હોય અને કર્મચારીઓ પાસે કામ લેવાનું ચાલુ હોય ત્યારે તેમને પગાર ચૂકવવા માટે એસ્ક્રો એકાઉન્ટ જે તે બેંકમાં ખોલવાના હોય છે આરોગ્ય કમિશનરે આ બાબતે સંબંધિત સત્તાવાળાઓને જે-તે કર્મચારીના એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે સૂચના આપી છે પરંતુ તેનો હજુ અમલ થયો નથી અને સમગ્ર પ્રકરણ ગોટે ચડી ગયું છે બેંકમાં આ પ્રકારના એકાઉન્ટ ખોલાવવા માટે વધુમાં વધુ એક થી બે દિવસનો સમય થતો હોય છે પરંતુ તે કામ પણ કરવામાં આવ્યું નથી.