સુરત : સુરતના હજીરામાં એસ્સાર સ્ટીલ પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા રૂ.૨,૪૪૦ કરોડ માફ કરવા સરકારમાં દબાણ વધાર્યાની ચર્ચા ઉઠી છે.દાયકા અગાઉ એસ્સારે હજીરાના પ્લાન્ટ નજીક વન વિભાગની ૭૨ હેક્ટર જમીન પર દબાણ કર્યું હતુ.આ આખી કંપની જ આર્સેલર મિત્તલે ખરીદી છે.જંગલની જમીનમાં દબાણનો મુદ્દો ગાજ્યા બાદ માર્ચ- ૨૦૧૦માં એસ્સારે વાણિજ્ય હેતુ માટે જમીનનું દબાણ નિયમિત કરવા સરકારમાં રૂ.૧૨૭ કરોડ જમા પણ કરાવ્યા હતા.જો કે, ૨૭ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ સુરત જિલ્લા મુલ્યાકંન સમિતિએ પ્રતિ ચોરસ મીટરે રૂ.૧૬,૫૨૦ જેટલુ પ્રિમિયમ નક્કી કરીને તે ભરવા જણાવ્યુ હતુ. છ વર્ષ જુના આદેશ મુજબ પ્રિમિયમની ગણતરી કરતા તે રકમ રૂ.૧,૧૮૯ કરોડ થવા જાય છે.જ્યારે તેના પર ડબલ પેનેલ્ટી ગણતા સરકારને રૂ.૨,૨૪૦ કરોડ લેવાના નિકળે છે.
કહેવાય છે કે, આર્સેલર મિત્તલ ગ્રુપ હવે એસ્સારે વર્ષ ૨૦૧૦-૧૧માં રૂ.૧૨૭ કરોડ ચૂકવ્યા હોવાથી અમારે વધારાની રકમ આપવાની થતી નથી એવુ કહીને દબાણ વધાર્યું છે.મહેસુલ વિભાગ દ્વારા કરાયેલી નોંધ મુજબ વર્ષ ૨૦૧૪માં ગણાયેલુ રૂ.૧૬,૫૨૦ લેખે પ્રિમિયમ અને તેના ઉપર વ્યાજ લેવું કે કેમ ? અથવા તો પ્રવર્તમાન સ્થિતિએ પ્રિમિયમ લેવુ ? તે મુદ્દે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યુ છે.