– ૨૦ જુલાઈ ૨૦૨૧ ને મંગળવારે દેવશયની એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે
– દેવશયની એકાદશી વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષ ની કામના રાખતા મનુષ્યોએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ.ચાતુર્માસ વ્રત પણ આ એકાદશી ના વ્રત થી શરુ કરવા માં આવે છે.
યુધિષ્ઠિરે પૂછયું : “હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસ ના શુકલ પક્ષ માં કઇ એકાદશી હોય છે.”
કૃપાનિધિ બોલ્યાઃ “રાજન ! અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ “દેવશયની” અથવા “દેવપોઢી” એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું એ મહાન પૂણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી,બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુકલ પક્ષમાં દેવપોઢી એકાદશી ના દિવસે જેમણે કમળના પુષ્પ થી શ્રી વિષ્ણું ભગવાન નું પુજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે.દેવ પોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરુપ રાજા બલીને ત્યા રહે છે.અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્યા પર ત્યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની એકાદશી ન આવે.આથી અષાઢ શુકલા એકાદશીથી માંડીને કારતક શુકલા એકાદશી સુધી મનુષ્યે. વિશેષ રુપે ધર્મનું આચરણ કરવું જોઇએ.જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે.આથી પ્રયત્ન પૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઇએ.એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઇએ.એમ કરનારા પુરુષના પૂણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે.જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે.જે મનુષ્ય દીપદાન,ખાખરાના પાન પર ભોજન,તથા વ્રત કરતાં ચોમાસુ વ્યતિત કરે છે,તેઓ મારા પ્રિય છે. એ માસમાં ભગવાન વિષ્ણું યોગ નિદ્રામાં શયન કરે છે,આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઇએ.શ્રાવણમાં શાક અને દૂધ ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઇએ.અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્ત થાય છે.
રાજન ! એકાદશીના વ્રતથી મનુષ્ય બધાજ પાપોથી મુકત થઇ જાય છે. આથી સદા એનું વ્રત કરવું જોઇએ.”
“દેવપોઢી અને (કાર્તિક શુકલા) દેવ ઊઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થ માટે એજ વ્રત રાખવા માટે યોગ્ય છે.બીજા મહિનાઓની કૃષ્ણપક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી શુકલ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઇએ.”
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે જયારે સૂર્યનારાયણ કર્ક રાશીમાં સ્થિત હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ અને સુર્ય નારાયણ તુલા રાશીમાં આવે ત્યારે ભગવાન ને જગાવવા જોઈએ.અધિક માસ આવે તો પણ વિધિ પ્રકાર આ પ્રમાણે જ રહે છે.આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ.અષાઢ માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરવું જોઈએ.સૌ પ્રથમ વિષ્ણુ ભગવાન ની પ્રતિમા ને સ્નાન કરાવવું જોઈએ.પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવી તકીયાદાર શય્યા પર શયન કરાવવું જોઈએ.એમનું ધૂપ,દીપ,નૈવેધ આદિથી પૂજન કરવું જોઈએ.ભગવાનનું પૂજન શાસ્ત્ર જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવવું જોઈએ .”
હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયન થી આખું વિશ્વ સુઈ જાય છે.આ રીતે ભગવાન સામે હાથ જોડી વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન !તમે જ્યાં સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસ ના વ્રત ને નિર્વિઘ્ન રાખો .”
આ પ્રકારે સ્તુતિ કરી શુદ્ધ ભાવથી માનવો એ દાતણ આદિ ના નિયમ લેવા જોઈએ.વિષ્ણુ ભગવાન નું વ્રત શરુ કરવાનું પાંચ કાળ વર્ણન કર્યું છે.દેવ શયની એકાદશી લઇ ને દેવોત્થાપન એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને કરવું જોઈએ.દ્વાદશી પૂનમ,અષ્ટમી કે સક્રાંતિના દિવસે વ્રત નો પ્રારંભ કરવો જોઈએ અને કારતક માસના શુકલ પક્ષ ની દ્વાદશી એ સમાપ્ત કરી દેવું જોઈએ.આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.જે મનુષ્ય આ વ્રત ને પ્રતિ વર્ષ કરે છે,તે સૂર્યના સમાન દેદીપ્યમાન થાય છે અને દીપ્તિમાન વિમાનમાં બેસી ને વિષ્ણુ લોક માં જાય છે .