– કંડકટર દ્વારા એસીબીનો સંપર્ક કરાતા છટકું ગોઠવાયું
– રૂ.200/-ની લાંચ લેતા આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને એસીબીએ રંગેહાથ ઝડપ્યો
રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓ એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે.જેમાં પોતાના પદનો દૂર ઉપયોગ કરીને લાંચ માંગતા હોવાથી એસીબી દ્વારા તેમને રંગેહાથ ઝડપી પાડવામાં આવી રહ્યા છે.અધિકારીઓ લાંચ માંગતા હોવાની ઘટનાઓ સામે આવતા હાલ એસીબીની ટીમે અધિકારીઓ પર બાઝ નજર રાખી હોય તેમ લાગી રહ્યું છે.જેના પરિણામે વધુ એક વલસાડનો લાંચિયો અધિકારી એસીબીના હાથે ઝડપાયો છે.
ધરમપુર એસ.ટી ડેપોમાં કન્ડકટર તરીકે ફરજ બજાવતા જાગૃત નાગરિક દ્વારાએસ.ટી.ડેપોમાં આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે લાંચ માંગી હોવાની વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કંડકટરના ઘરે ધાર્મિક વિધી હોવાથી 2 દિવસની રજા લેવાની હતી.જે મળવી મુશ્કેલ હોવાથી કંડકટરે આ અંગે આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશ પ્રભાતસિંહ રાવતને જાણ કરી હતી.જેનો ફાયદો ઉઠાવી રમેશ રાવતે કંડકટર પાસે રજા મંજૂર કરાવી આપવા માટે રૂ.200/-ની લાંચ માંગી હતી.
ફરિયાદી કંડકટરે રમેશ રાવતને વાત કરતા તેણે જણાવેલ કે, રજા અરજીનું ફોર્મ ભરીને લઈને આવો ત્યારે વ્યવહારના રૂ.200/-લેતા આવજો.જો કે, લાંચની રકમ આપવા બાબતે કંડકટર તૈયાર નહોતા હોવાથી એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કંડકટર દ્વારા એસીબીની ટીમને ફોનથી સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.જે બાદ એસીબીની ટીમ દ્વારા ફરિયાદી કંડકટરની ફરિયાદ નોંધવામાં આવી હતી.ત્યારબાદ નોંધાયેલી ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા રમેશ રાવતને રંગે હાથ ઝડપી પાડવા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસીબીની ટીમ દ્વારા છટકાનું આયોજન કરી લાંચિયા અધિકારીને લાંચ સ્વીકારવા બોલાવવામાં આવ્યો.જેને લઈને કંડકટર અને રમેશ રાવત વચ્ચે ફોન પર લાંચ સ્વીકારવા માટે ધરમપુર એસ.ટી ડેપોમાં મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જ્યાં નક્કી કરાયેલા સમય પહેલા એસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.થોડા સમય બાદ ફરિયાદી અને રમેશ રાવત બંન્ને ડેપો પર પહોંચી ગયા હતા.જ્યાં બંન્ને વચ્ચે લાંચની રકમને લઈને હેતુલક્ષી વાતચીત બાદ આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશ રાવત લાંચની રકમ રૂ.200/- સ્વીકારે છે.રમેશ રાવત લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ દ્વારા તેને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.લાંચિયા રમેશ રાવતને પકડી પાડી એસીબીની ટીમ દ્વારા તેની પાસેથી લાંચની રકમ રીકવર કરી તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.