સાપુતારા : ડાંગ જિલ્લાની વિકટ પરિસ્થિતિ છતા, પાછલા કેટલાક દિવસોમા કોરોના વેક્સીનેસનની કામગીરીમા આવેલી ગતિને બિરદાવતા ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ જયપ્રકાશ શિવહરે એ આરોગ્ય વિભાગ તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોની સરાહના કરી હતી.વેકસીનેસન બાબતે કેટલાક છુટા છવાયા વિસ્તારોમા જોવા મળતી પ્રજાજનોની ઉદાસીનતા અંગેની ચર્ચા કરતા સચિવ એ આવા પોકેટ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને,ગ્રામીણ પ્રજાજનોને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત કરવાના સહિયારા પ્રયાસોની પણ હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના આરોગ્ય કમિશ્નર અને ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ તરીકેનો કાર્યભાર સંભાળતા જયપ્રકાશ શિવહરે એ જિલ્લામા કરવામા આવતા વિકાસ કામોના આયોજન વેળા,માનવ વિકાસ સુચકાંકને ધ્યાને રાખી આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી જેવા ક્ષેત્રે પાયકીય જરૂરિયાતના કામોને પ્રાધાન્ય આપી, નિયત માર્ગદર્શિકા અનુસારના કામો થાય તે જોવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. આહવાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રભારી સચિવની સમીક્ષા બેઠક દરમિયાન નલ સે જલ કાર્યક્રમ,સિંચાઈ યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,સંદેશા વ્યવહાર,મનરેગા,સ્થળાંતરિત શ્રમિકો,સંસ્થાકિય પ્રસુતિ સહિત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની છણાવટ સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.બેઠકમા જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા,જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગ,નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા વિગેરેએ પણ ચર્ચામા ભાગ લઇ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. સમીક્ષા બેઠકમા નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી,અધિક જિલ્લા અધિકારી ડો.હિમાંશુ ગામીત,પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિત જિલ્લાના જુદા જુદા વિભાગ,કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.