છેલ્લાં ૫૦ વર્ષથી ભારતમાં રહેતાં ઇલાબહેન પોપટે ભારતીય નાગરિકતાની માગ કરીને હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી અને કોર્ટે સરકારને જવાબ નોંધાવવાનું પણ કહ્યું છે:અહીં જન્મેલા તેમના બે પુત્રો પાસે પાસપોર્ટ છે,પણ તેમની અરજી વારંવાર રિજેક્ટ કરવામાં આવે છે અંધેરીમાં રહેતાં ૬૬ વર્ષનાં ગુજરાતી મહિલા વર્ષો પહેલાં તેમની માતા સાથે ભારત આવીને સ્થાયી થયાં હતાં.એ પછી અહીં જ ભણતર લઈને લગ્ન કર્યાં હતાં.હાલમાં તેમના બે દીકરાઓ પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે,પણ જ્યારે તેમણે પોતાના પાસપોર્ટ માટે ઍપ્લિકેશન કરી ત્યારે તેઓ ભારતના નાગરિક નથી એમ કહીને એને રિજેક્ટ કરવામાં આવી હતી. અંતે તેમણે હાઈ કોર્ટનો સંપર્ક કરતાં ગઈ કાલે કોર્ટે કેન્દ્ર સરકારને તેમને નાગરિકતા કેમ નથી આપી એનો જવાબ નોંધાવવાનો આદેશ આપ્યો છે.
અંધેરીમાં ઇન્ફિનિટી મૉલ પાસે રહેતાં ઇલાબહેન પોપટ તેમની માતા સાથે ૧૯૬૬માં આફ્રિકાના યુગાન્ડાથી ભારત આવ્યાં હતાં.એ સમયે તેઓ માત્ર દસ વર્ષનાં હોવાથી તેમની માતાના પાર્સપોર્ટ પર અહીં આવ્યાં હતાં.અહીં ભણતર લીધા પછી તેમણે ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બે બાળકો પણ છે જેઓ ભારતીય નાગરિકો છે.આ વર્ષો દરમિયાન ઇલાબહેને ભારતીય પાસપોર્ટ માટે ત્રણ વખત અરજી કરી હતી,પરંતુ દસ્તાવજોના અભાવે દર વખતે અરજી નકારી કાઢવામાં આવી હતી.અંતે તેમણે ૨૦ દિવસ પહેલાં હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી હતી.
ઇલાબહેન પોપટે ન્યાયમૂર્તિ એસ.વી.ગંગાપુરવાલાની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેમનો જન્મ પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો અને તેઓ ૧૯૬૬માં તેમની માતાના ભારતીય પાસપોર્ટ પર ભારત આવ્યાં હતાં.ત્યારે તેઓ દસ વર્ષનાં હતાં.એ સાથે કહ્યું હતું કે પાસપોર્ટ રિજેક્ટ થતાં અધિકારીઓએ તેમની પાસે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રની માગ કરી હતી.એ પછી તેમણે ભારતીય નાગરિકતા માટે અરજી કરતાં તેઓ ભારત આવ્યાં હતાં ત્યારના વીઝામાં કોઈ ટેક્નિકલ ભૂલ હોવાથી એ પણ નકારી કાઢવામાં આવી હતી.