સુરત : રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને શહેરના એક જરૂરિયાતમંદે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મેળવવા અંગે ફોન કર્યો હતો.આ જરૂરતમંદ સાથે વાતચીતમાં આરોગ્ય મંત્રીએ સીધેસીધું જ કહી દીધું હતું કે, ‘એ તો મળવું શક્ય નથી.’ ત્યાર બાદ ફોન કરનારે મંત્રીને પૂછ્યું કે હવે ક્યાં મળશે ? અમદાવાદમાં મળી જશે.તો મંત્રીએ કહ્યું કે આ ઇન્જેક્શન તો ક્યાંયે આવતા જ નથી.
વાઇરલ થયેલા ઓડિયોમાં એક વ્યક્તિ આરોગ્યમંત્રીને ટોસિલિઝુમેબ ક્યાંથી મળશે તેવો પ્રશ્ન કરે છે તેમજ રેફરન્સ આપવા અંગે નિવેદન કરે છે. જો કે રાજ્ય આરોગ્ય મંત્રી કાનાણી કહે છે કે ‘ટોસિલિઝુમેબ ક્યાંય આવતાં જ નથી, એ ઇન્જેક્શન ક્યાં આવે છે.’ આ સાંભળીને ફોન કરનાર વ્યક્તિ આજીજી કરે છે કે ‘જેને એરજન્ટ જરૂર હોય તેણે શું કરવાનું.?’ જો કે મંત્રી કાનાણીનો ફોન પર સંપર્ક કપાઈ જાય છે.
આઇસીએમઆરે કોરોનાની સારવાર માટે જે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનને પ્રતિબંધિત કરી મૂક્યો છે તે જ ઇન્જેક્શન હજુ પણ તબીબો પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે.સ્થિતિ એવી છે કે દર્દીના ઘરના સભ્યો આના માટે મેડિકલ સ્ટોરના ધક્કા ખાઇ રહ્યા છે.સુરતમાં તબીબો કોરોનાના દર્દીઓના ઉપચારમાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે.ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન મોટી માત્રામાં આપવામાં આવ્યા હતા.આ દરમિયાન તેની ગંભીર સાઇડ ઇફેક્ટ જોતા આઇસીએમઆરે તેના ઉપયોગ પર પ્રતિબંધિત લગાવી દીધો હતો.પરંતુ સુરતના તબીબો દર્દીઓને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે. ભાસ્કર પાસે આવા પાંચ તબીબો દ્વારા લખાયેલું પ્રિસ્ક્રિપ્શન છે.જેમાં તેમણે દર્દી માટે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લખ્યું છે.


