– દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના ટેકામાં સૂત્રો પોકાર્યા
લંડન/ નવી દિલ્હી તા.7 ડિસેંબર : ભારતના પાટનગર નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના ટેકામાં લંડનમાં ભારતીય રાજદૂતાવાસ સામે કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડા હાથમાં રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા.જો કે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આવા કેટલાક દેખાવકારોની ધરપકડ કરી હતી.સ્કોટલેન્ડ યાર્ડે ભારતીય રાજદૂતાવાસને આવા દેખાવો થવાના હોવાની જાણ કરી હતી અને કહ્યું હતું કે અમને આવી બાતમી મળી હતી. ઇંગ્લેંડના જુદા જુદા વિસ્તારમાંથી આ દેખાવકારો આવ્યા હતા એમ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું.
પોલીસે જાહેરમાં માઇક્રોફોન પર દેખાવકારોને ચેતવણી આપી હતી કે કોરોનાના ચેપને કારણે આ રીતે જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ હતો માટે વિખેરાઇ જાઓ. આમ છતાં કેટલાક લોકો ત્યાં ઊભા રહેતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.
લંડન મેટ્રોપોલિટન પોલીસના કમાન્ડર પૉલ બ્રોગડેને કહ્યું હતું કે તમે 30થી વધુ લોકો ભેગા થાઓ તો પ્રતિબંધનો ભંગ કરવાનો ગુનો બને છે અને એને માટે જેલ તથા રોકડ દંડ ભરવાની સજા થઇ શકે છે. દેખાવકારોમાં મોટે ભાગે શીખો હતા જેમના હાથમાં ખેડૂતોને ન્યાય આપો એવું લખેલાં પાટિયાં હતાં.કેટલાક લોકો પાસે ખાલિસ્તાની ધ્વજ પણ હતો. કેનેડાની જેમ કેટલાક ખાલિસ્તાની સમર્થકો ઇંગ્લેંડમાં પણ વસે છે.ખાલિસ્તાની ધ્વજ સાથેના દેખાવોની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.


