ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો જંગ રોમાંચક બની રહ્યો છે.બીજેપી પાસેથી સત્તા છીનવી લેવા માટે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.હવે આ જંગ વધુ રોમાંચક બનશે, કેમ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પણ નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ચૂંટણીના મેદાનમાં આવ્યા છે.
શંકરસિંહે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના અનેક કાર્યકર્તાઓએ મને પાછા કૉન્ગ્રેસમાં આવવા માટે કહ્યું હતું.એ સમયે મેં જાહેરમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી કહેશે તો હું એના પર વિચાર કરીશ.મેં કૉન્ગ્રેસના નેતાઓને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને બીજેપી ઍક્ટિવ છે અને તમે કંઈ ના કરવાના હોય તો મને ૧૫ ઑગસ્ટ પછી કૉન્ગ્રેસમાં આવવા માટે ના કહેતા, એટલે મેં એ દરવાજા મારા તરફથી બંધ કર્યા હતા.બીજેપી,આપ અને કૉન્ગ્રેસના દરવાજા બંધ હતા.કુદરતનો નિયમ છે કે બધા દરવાજા બંધ હોય ત્યારે એક દરવાજો ખૂલે,એટલા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લૉન્ચ કરવાનો સમય આવી ગયો છે.’
‘પંચામૃત’થી ચૂંટણી લડશે
શંકરસિંહે ચૂંટણીમાં આ નવી પાર્ટીના એજન્ડા વિશે કહ્યું હતું કે ‘મેં આ પાર્ટીને લૉન્ચ કરવા માટે પંચામૃત નામના મુદ્દા બનાવ્યા હતા.પહેલો મુદ્દો છે દારૂબંધીનો વૈજ્ઞાનિક અભિગમથી પુનઃવિચાર કરવો તેમ જ એને હટાવવી.બીજો મુદ્દો શિક્ષણનો છે.જો અમારી સરકાર આવશે તો બાળક પ્રાઇવેટ સંસ્થામાં ભણે કે સરકારી,તેના પોસ્ટ-ગ્રૅજ્યુએશન સુધીનો ખર્ચ સરકાર આપશે.ત્રીજો મુદ્દો આરોગ્યનો છે.અમે દરદીઓને હૉસ્પિટલનો ખર્ચ અને ઇન્શ્યૉરન્સ ખર્ચ આપીશું.ચોથો મુદ્દો ન્યાયમાં વિલંબનો છે.ગરીબોને ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મળે એવી વ્યવસ્થા ઊભી કરવાનો છે.પાંચમા મુદ્દામાં તેમણે વહિવટીતંત્રમાં ટ્રાન્સ્પરન્સી અને અસરકારકતા લાવવા તેમ જ પ્રજાને કેન્દ્રમાં રાખવાની વાત કહી હતી.’


