અમદાવાદ,તા.22 ઓગષ્ટ 2022,સોમવાર : વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ એકશનમાં મોડમાં આવ્યુ છે.આ ઉપરાંત ભાજપના નેતા બી.એલ.સંતોષ પણ ગાંધીનગરની મુલાકાતે છે.ભાજપ કોર કમિટીની બેઠકમાંય ફેરફાર કરાયો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયુ છે.
આર.સી.ફળદુ,ભૂપેન્દ્રસિંહ સહિત છ સભ્યો ઉમેરાયા, હવે વિધાનસભામાં ટિકીટ નહી મળે
વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે નવુ માર્ગદર્શક મંડળ રચ્યુ છે.એક બાજુ બે સિનિયર મંત્રીઓના ખાતામાં ઓચિંતો ફેરફાર કરાયો છે ત્યારે બીજી તરફ, ભાજપ કોર કમિટીમાંય ફેરફાર કરાયો છે.અત્યાર સુધી આ કોર કમિટીમાં ૧૨ સભ્યો હતા પણ વધુ છ સભ્યોને સ્થાન અપાયુ છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરનો સમાવેશ થાય છે.
ભાજપે જ્ઞાતિવાદનુ સમીકરણ સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.કડવા પાટીદાર નીતિન પટેલ,લેઉવા પાટીદાર આર.સી.ફળદુ,લેઉવા પાટીદાર ભરત બોઘરા,કોળી નેતા ભારતીબેન શિયાળ,ક્ષત્રિય આગેવાન તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરાઇ છે.
વિધાનસભાની ચૂંટણી વખતે ટિકીટની વહેચણી સમયે બળવો ન થાય અને ડેમેજકંટ્રોલની કવાયત કરી શકાય તે હેતુસર આ નેતાઓની પસંદ કરાઇ છે.જોકે, એવી ય ચર્ચા છે કે, કોર કમિટીમાં સ્થાન આપીને ભાજપે ૬૦થી વધુ વય ધરાવતાં આ બધાય નેતાઓને હવે ટિકીટ નહી અપાય.આ નેતાઓની ચૂંટણી લડવાની વાત પર હવે પૂર્ણવિરામ મૂકાયુ છે તે નક્કી છે.