– સાઇબર ક્રાઇમ વિશે લોકોને માહિતી આપવા કલાકારોની મદદથી વિડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે
મુંબઈમાં ઠેકઠેકાણે ગણપતિબાપ્પા અનોખા ડેકોરેશન અને થીમ સાથે બિરાજમાન થતા જોવા મળે છે ત્યારે વિલે પાર્લેના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે લોકોમાં જાગૃતિ ફેલાય એટલા માટે ‘સાઇબર ક્રાઇમ’ વિષય પર થીમ તૈયાર કરી છે.સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં ખરા અર્થમાં જાગૃતિ લાવવી જરૂરી હોવાથી તેમણે આ વિષયમાં એક વિડિયો પણ તૈયાર કર્યો છે.અગાઉ તેમણે પોલીસ યુનિફૉર્મમાં સજ્જ બાપ્પાને બિરાજમાન કર્યા હતા.
વિલે પાર્લેના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી હું મારા ઘરે ગણેશોત્સવ ઊજવું છું.કોરોના પહેલાં મેં ટ્રાફિક પોલીસની થીમ રાખી હતી.એમાં એક વિડિયો બનાવીને ટ્રાફિક પોલીસ કેવી રીતે કામ કરે છે એ વિશે અને ટ્રાફિકના નિયમો વિશે લોકોને અવગત કરાવ્યા હતા.એ પ્રમાણે બાપ્પાને પણ શણગારવામાં આવ્યા હતા.તેમને બાઇક પર બેસાડ્યા હતા અને વિડિયોના માધ્યમથી લોકોને નિયમો શું હોય એ જણાવ્યું હતું.હાલમાં સાઇબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.સાઇબર ક્રાઇમનો દરરોજ મોટી સંખ્યામાં લોકો ભોગ બનવા લાગ્યા છે.એથી જ આ વખતે સાઇબર ક્રાઇમની થીમ રાખીને વિડિયો તૈયાર કર્યો છે.


