ગઢડા તાલુકાના વિકળીયા ગામે નરાધમ પિતાએ બાળક પોતાનું નથી તેવી શંકા રાખી તેના જ 20 દિવસના બાળકની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.
20 દિવસના બાળકનું કુહાડીના ઘા મારી હત્યા કરી
સમગ્ર બનાવની વિગત જોઈએ, તો ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન તાબાના વિકળીયા ગામે ગઈકાલ મોડી રાત્રીના સમયે મજૂરી કામ કાળુભાઈ મોહનભાઈ નાયક નામના 52 વર્ષીય મજૂરે પોતાના 20 દિવસના સગા પુત્રનું કુહાડીનાં ઘા મારી કરપીણ હત્યા નિપજાવી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં ઢસા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતક બાળકની લાશને પીએમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરતા આરોપી કાળુ મોહન નાયક ઝડપાઈ ગયો હતો.
બાળક તેનું ન હોવાની શંકાએ કરી હત્યા
પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ સ્વિકાર્યુ હતુ કે, બાળક તેનું ન હોવાની શંકા રાખી તેને તેના જ સગા પુત્રની હત્યા કરી નાખી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે, તેને અન્ય છ પુત્ર છે જ્યારે આ પુત્ર અંગે તેને શંકા હતી કે તે બાળક તેનું નથી અને જેને કારણે તેને હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.