નવી દિલ્હી : રિઝર્વ બેંકે બે સહકારી બેંકોને ખાતેદારોને લગતા નિયમોના ભંગ માટે કુલ સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.એક નિવેદનમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે ખાતેદારોના કેવાયસી ( નો યોર કસ્ટમર્સ ) અને બીજા નિયમોના ભંગ માટે રાયપુરની વ્યાવસાયિક સહકારી બેંક અને મહારાષ્ટ્ર નાગરીક સહકારી બેંકને આ દંડ કરવામાં આવ્યો હતો.
રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું હતું કે દરેક બેંકને કેવાયસી બાબતમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે જેથી કરીને કોઇ આતંકવાદી કે અસામાજિક પરિબળ બેંકમાં ખાતું ખોલાવીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ ન કરે.આમ છતાં જે બેંકોને દંડ કરવામાં આવ્યો છે એવી કેટલીક સહકારી બેંકો પોતાનો બિઝનેસ વધુ ચાલી રહ્યો છે એવી છાપ પાડવા ખાતેદારોના કેવાયસીની જોગવાઇને ધ્યાનમાં લેતી નથી.આવી બેંકો સામે પગલાં ભરવાની રિઝર્વ બેઁકને ફરજ પાડી હતી.
દરમિયાન,રાષ્ટ્રીય કૃત બેંક ઑફ બરોડા પોતાના ખાતેદારો માટે વ્હૉટ્સ એપ સેવા શરૂ કરી રહી હોવાની જાણકારી પણ જનતાને અપાઇ હતી.ખાતેદાર પોતાના ખાતામાં કેટલી પુરાંત છે એ જાણવા માટે,મિનિ સ્ટેટમેન્ટ માટે કે ચેકબુક મંગાવવા માટે અથવા ડેબિટ કાર્ડ બ્લોક કરવા માટે આ વ્હૉટ્સ એપ સેવાનો ઉપયોગ કરી શકશે.
બેંક ઑફ બરોડાના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર એ કે ખુરાનાએ કહ્યું હતું કે આજના ટેક્નોલોજીના જમાનામાં વ્હૉટ્સ એપ સેવાથી ખાતેદારોને સારી સુવિધા મળશે અને બેંકની રૂબરૂ મુલાકાત લીધા વિના પોતાની જરૂરિયાતો સંતોષી શકશે એવી અમને આશા છે.જે લોકો બેંકના ખાતેદાર નથી એ લોકો પણ બેંક દ્વારા અપાતી વિવિધ સેવાની માહિતી વ્હૉટ્સ એપ દ્વારા મેળવી શકશે.