બિહાર, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર : બિહારમાં દારૂબંધી વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાય તો તેને જેલમાં નહીં પુરવામાં આવે.તેના બદલે તેણે ફક્ત લિકર માફિયાની જાણકારી આપવાની રહેશે.તેણે આપેલી જાણકારીના આધારે જો શરાબ માફિયાની ધરપકડ થઈ જશે તો દારૂ પીતા પકડાઈ હશે તે વ્યક્તિએ જેલમાં નહીં જવું પડે.એક્સાઈઝ કમિશનર કાર્તિકેય ધનજીએ આ જાણકારી આપી હતી.
હકીકતે બિહારની જેલમાં દારૂડીયાઓની સંખ્યામાં થઈ રહેલા વધારાના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજે યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.બિહાર પોલીસ અને લિકર પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટને આમાં વિશેષાધિકાર આપવામાં આવ્યો છે.
જેલ અને કોર્ટ બંને પર ભાર વધ્યો હતો
બિહાર સરકારે વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં જાહેર કરેલા આંકડાઓથી લોકો ચોંકી ઉઠ્યા હતા.તેમાં કહેવામાં આવ્યું હતું કે,જાન્યુઆરી 2021થી ઓક્ટોબર 2021 સુધીમાં વિશેષ દરોડા પાડીને પ્રદેશના જિલ્લાઓમાંથી 49 હજાર 900 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં દારૂડીયાઓ અને દારૂના તસ્કરો સામેલ હતા.આ સાથે જ તે દરમિયાન કુલ 38 લાખ 72 હજાર 645 લીટર ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જેલો ઉપરાંત બિહારની કોર્ટ્સ પર પણ દારૂબંધીના કેસનો બોજો વધી ગયો હતો.બાદમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.કોર્ટમાં જામીન અરજીઓના જે ઢેર જામ્યા હતા તેને લઈ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.આ કેસની આગામી સુનાવણી 8મી માર્ચના રોજ યોજાવાની છે.તેના પહેલા જ બિહાર સરકારે હવે ધરપકડ ન કરવાનો મહત્વનો નિર્ણય લઈ લીધો છે.
દારૂબંધી બાદ બિહારમાં શરાબ તસ્કરો એક્ટિવ થઈ ગયા હતા જેને લઈ વિપક્ષ સતત હુમલાવર રહ્યું છે.નીતિશ સરકારની દારૂબંધીને રાજ્યમાં નિષ્ફળ ગણાવવામાં આવી રહી છે.