નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : દેશ અને સમગ્ર દુનિયા હવે કાર્બન ઉત્સર્જનથી પરે પરંપરાગત ઉર્જાસ્ત્રોત તરફ વળી રહી છે.કંપનીઓ અને સરકારો પણ મોટાપાયે રીન્યૂએબલ એનર્જી માટે રોકાણ કરી રહી છે.ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.ભારતનું પણ એક રાજ્ય છે જે હવે દેશનું ઈવી કેપિટલ બની ગયું છે અને તેનું નામ છે-રાષ્ટ્રીય રાજધાની દિલ્હી.
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી સિસોદિયાનો દાવો છે કે દિલ્હી ઈલેકટ્રિક વ્હીકલ પોલીસીના લોન્ચ થયાના 18 મહિનાની અંદર દિલ્હી “ભારતની ઈવી રાજધાની” બની ગયું છે.દેશના કુલ ઈલેકટ્રિક વાહનોના વેચાણમાં દિલ્હીનો ભાગ 2019-20માં 1.2 ટકા હતો જે ફેબ્રુઆરી 2022માં વધીને 10 ટકા થઈ ગયો છે.સિસોદિયાએ આ વૃદ્ધિનો શ્રેય ઈલેક્ટ્રિક વ્હિકલ નીતિને આપ્યો છે.સિસોદિયાએ કહ્યું કે EV વેચાણમાં દિલ્હી 10 ટકાનો આંકડો પાર કરનાર ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે,જે ફ્રાંસ અને સિંગાપુર જેવા વિકસિત દેશોની ઈવીમાં ભાગીદારીથી વધું છે.
દિલ્હી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને ઓગસ્ટ 2020માં લોન્ચ કરી હતી જેનો ઉદ્દેશ્ય 2024 સુધી વાહન વેચાણમાં ઈવીની ભાગીદારી 25 ટકા સુધી વધારવાની છે.આ સમયે દિલ્હી સરકારે કહ્યું હતું કે તેનું લક્ષ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં ખતરનાક વાયુનાં પ્રદુષણના સ્તરને ઓછું કરવાનું છે.
જાન્યુઆરી 2022માં દિલ્હીમાં એક એગ્રીગેટરની નીતીને લાગુ કરવામા આવી.જેના અનુસાર રાઈડ-હેલિંગ એગ્રીગેટર્સ અને ડિલીવરી સેવાઓએ નવા વાહન ખરીદતા સમયે ફરજીયાતપણે ઈવીને સ્વીકારવું પડશે. પોલિસી અનુસાર રાઈડિંગ એગ્રીગેટર્સ અને ડિલીવરી સેવા આપવાવાળાઓએ એ ખાતરી કરવી પડશે કે માર્ચ 2023 સુધી બધા નવા ટુ-વ્હીલરમાંથી 50 ટકા અને બધા નવા ફોર-વ્હીલરમાંથી 25 ટકા ઈલેકટ્રીક વ્હિકલ્સ જ હોય.