નવી દિલ્હી, તા. 09 માર્ચ 2022, બુધવાર : વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે 10 માર્ચના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરી છે.આ મહત્વના દિવસે કોઈ ગરબડ ન થાય તે માટે પોલીસે પણ પોતાનો બંદોબસ્ત ચુસ્ત કર્યો છે.ત્યારે ઉત્તર પ્રદેશની કાનપુર દેહાત પોલીસે મંગળવારે એક અનોખો આદેશ આપીને બધાને ચોંકાવી દીધા છે.કાનપુર દેહાતના એસપીએ ખલેલ પહોંચે તો Shoot At Sight એટલે કે,જોતાવેંત જ ગોળી મારવાના આદેશ જારી કર્યા છે.
ઉત્તર પ્રદેશમાં 7 તબક્કાના મતદાન પછી રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સએ 10 માર્ચે યોજાનારી મત ગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.કાનપુર દેહાત જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંહે મંગળવારે એક પત્રકાર પરિષદ યોજી હતી.તેમાં તેમણે 10 માર્ચે યોજાનારી મત ગણતરીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.
કોન્ફરન્સમાં જિલ્લા મેજિસ્ટ્રેટની સાથે એસપી સ્વપ્રિલ મમગાઈ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે,મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારાઓ અને જે લોકો મતગણતરીના સ્થળ પર સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડશે અથવા ભ્રામક સમાચાર ફેલાવશે તેમને જોતાવેંત જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે.મતગણતરી પ્રક્રિયાનો ભંગ કરનારાઓને સ્થળ પર જ ગોળી મારવાનો આદેશ આશ્ચર્યજનક છે.
ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,2017ની સરખામણીમાં આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ઓછી હિંસક ઘટનાઓ બની છે.2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી હિંસાની કુલ 97 ઘટનાઓ બની હતી.જ્યારે આ વખતે કુલ 33 ઘટનાઓ સામે આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર 9 જાન્યુઆરીએ આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યભરમાં 1339 FIR નોંધવામાં આવી હતી.લખનૌ ઝોનમાં સૌથી વધુ 261 FIR નોંધાઈ છે.વધુમાં વધુ રોકડ પણ કાનપુરમાંથી જ ઝડપાઈ છે.

