-સડક પહોળી કરવાના બહાને કેટલાંક ઘરો તોડી નાખ્યાં
-તાજેતરમાં હિન્દુવાદી સંસ્થાની રેલી પર પથ્થમારો થયો હતો
ઇંદોર તા.5 જાન્યુઆરી : ઇંદોરમાં તાજેતરમાં હિન્દુવાદી સંસ્થાની રેલી પર લઘુમતી વિસ્તારમાં પથ્થમારો થયા બાદ સરકારી અધિકારીઓએ ગેરકાયદે ગણાતાં કેટલાંક ઘરો ધરાશાયી કરી નાખ્યાં હતાં.
આ અંગે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ પ્રતુલ સિંહાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મૂળ તો સડક પહોળી કરવા માટે કેટલાંક મકાનોનો અમુક હિસ્સો કાપવાનો હતો.પરંતુ બે કોમના લોકો વચ્ચે હિંસક અથડામણ થયા બાદ કેટલાક અસામાજિક તત્ત્વોનાં મકાનો તોડી પાડવાની વહીવટી તંત્રને ફરજ પડી હતી.
મધ્ય પ્રદેશમાં શિવારાજ સિંઘની ભાજપ સરકાર છે.ચંદનખેડી વિસ્તાર મુસ્લિમ લઘુમતીની મોટી સંખ્યા ધરાવે છે.આ વિસ્તારમાં કેટલાંક ઝૂંપડાં છે અને કેટલાંક ગેરકાયદે બંધાઇ ગયેલાં મકાનો છે.સિંહાએ એવો દાવો કર્યો હતો કે અમે રહેવાસીઓને તેમનો સામાન ઘરમાંથી કાઢી લેવાની સગવડ આપી હતી એટલે કોઇના માલસામાનનું નુકસાન થયું નથી.સડક પહોળી કરવા માટે 13 મકાનોના કેટલાક હિસ્સાને તોડી પાડવો પડ્યો હતો.
જેમનાં ઘરો તોડી પડાયાં એમાં સ્થાનિક પંચાયતના સભ્ય મુહમ્મદ રફીકના ઘરનો પણ સમાવેશ હતો.રફીકની પત્નીએ કહ્યું હતું કે ઘર તોડવાના માત્ર એક દિવસ પહેલાં કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને ઘર ખાલી કરવાનું કહ્યું હતું.મેં પોલીસને વિનંતી કરી હતી કે મારા પતિની પથ્થબાજી કરવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. હું એકલી બાઇ માણસ ઘર ખાલી કેવી રીતે કરી શકું.પરંતુ અધિકારીઓએ મારી વાત કાને ધરી નહોતી.
ચંદનખેડી ગામ ઇંદોરથી 40 કિલોમીટર દૂર છે અને આ ગામમાં 400 મુસ્લિમ અને 15 હિન્દુ પરિવારો રહે છે.થોડા દિવસ પહેલાં હિન્દુવાદી સંસ્થાએાએ રામ મંદિર માટે ફાળો ઊઘરાવવા રેલી કાઢી હતી.આ રેલી પર પથ્થમારો થયો હતો.એ પછી સામસામી હિંસક અથડામણ થઇ હતી.એ પછી સડક પહોળી કરવાના બહાને કેટલાક મુસ્લિમોનાં ઘર તોડી પડાયાં હતાં.