સુરેન્દ્રનગર: લખતર તાલુકાનાં ઓળક અને છારદ ગામ વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો.તેમાં બાઇક ચાલક યુવાન સહિત બેનાં મોત થયા હતાં.લગ્ન પ્રસંગે જતા યુવકનું બાઇક સ્લીપ થઇને ચોટીલા જતા બે પદયાત્રીને અથડયુ હતું.ત્યારેેે અકસ્માત જોઇ મદદ માટે આઇસરનો ચાલક નીચે ઉતર્યો હતો.તે જ સમયે પાછળથી ધસી આવેલી ટ્રકે બાઇક સહિત તમામને અડફેટે લેતા બેના મોત થયા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.અકસ્માત સર્જી ટ્રકચાલક ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો.લીંબડી તાલુકાનાં નટવરગઢ ગામનોે રાજુ ઈશ્વરભાઈ રોજાસરા (ઉં.વ.૨૨) નામનો યુવાન બાઈક લઈને ઓળક ગામે પોતાનાં મિત્રનાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો.ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેનું બાઈક સ્લીપ ખાઈ જતા નીચે પટકાયો હતા.તેજ સમયે રોડ ઉપર પગપાળા ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ સાથે બાઈક અથડાયુ હતું. બરાબર એજ સમયે વઢવાણથી કંકુ ભરીને અંબાજી જઈ રહેલા આઈસર ગાડીનાં ચાલક સલીમ ભટ્ટીએ આ અકસ્માત જોતા તેઓ નીચે ઉતરી મદદ કરી રહ્યા હતા એ જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે ચોટીલા જતા બે પદયાત્રિકો,બાઈકચાલક અને આઈસર ચાલક બધાને અડફેટે લીધા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક રાજુભાઈ રોજાસરા અને આઇસરના ચાલક સલીમભાઈ ભટ્ટીનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે ચોટીલા દર્શને જતા કલ્યાણપરા ગામનાં પ્રતાપભાઈ અને સુરેશભાઈ નામના બે પદયાત્રીકોને ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા લખતર પી.એસ.આઈ.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અકસ્માત બાદ પોલીસે ટ્રકને લખતર નજીકથી ઝડપી લીધી હતી.ડ્રાઈવર ટ્રક મુકી નાસી ગયો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.