– ગાઝા સરહદે ઇઝરાયેલ,ટેન્કો,બખતરિયા ગાડીઓ અને સેનાનો જમાવડો કર્યો છે : કહે છે સામાન્ય નાગરિકો અમારા શત્રુઓ નથી
તલ અવીવ : ઇઝરાયલી સેનાએ આજે (શુક્રવારે) સંયુક્ત રાષ્ટ્રોને જણાવી દીધું છે કે ગાઝા સ્થિત ૧૦.૧ લાખ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવે. ૨૪ કલાકમાં જ દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેતાઓને સલામત સ્થળોએ લઇ જવા પડશે.આ સાથે, પેલેસ્ટાઇનીઓ તેવી ભીતિ સેવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ ઇઝરાયલ તરફથી પ્રચંડ હુમલો ચાલવાની ભીતિ રહેલી છે.
ઇઝરાયલી સેનાએ ગાઝામાં કાર્યરત તેવા યુનોના સ્ટાફને પણ ગાઝા પટ્ટી છોડી દેવા જણાવ્યું છે.આ કર્મચારીઓ શાળાઓ ચલાવે છે.આરોગ્ય કેન્દ્રો પણ ચલાવે છે.તેમ જ નાની હોસ્પિટલો પણ ચલાવે છે.યુનોના ગાઝા સ્થિત પ્રવક્તા સ્ટીફન દુજેરિકે આ માહિતી આપતાં કહ્યું હતું કે ઇઝરાયલી ટેન્કો,બખતિયાર ગાડીઓ અને ભૂમિદળોએ આ પછી ગાઝા પટ્ટી ઉપર પ્રચંડ તોપમારો અને તે સાથે સેનાકીય હુમલો શરૂ કરી દીધો છે.
વાસ્તવમાં હમાસે, ઇઝરાયલ ઉપર રોકેટ હુમલા શરૂ કર્યા પછી ઇઝરાયલે પ્રચંડ વળતા પ્રહારો શરૂ કરી દીધા છે.આ પૂર્વે ઇઝરાયલી સેનાના પ્રવક્તા જોનાથન કોનટિક્સે જણાવ્યું હતું કે આ ચેતવણી આપવાનો અમારો હેતુ,ઓછામાં ઓછી જાનહાની થાય તે જોવાનો છે.ગાઝા શહેર અને ગાઝા પટ્ટી સ્થિત સામાન્ય નાગરિકો કૈં અમારા દુશ્મનો નથી. તેથી તેઓને ઓછામાં ઓછું નુકસાન થાય તે અમે જોવા માગીએ છીએ.બીજી તરફ યુનોના પ્રવક્તા સ્ટીફન દુજેરિકે ફરી એકવાર બંને પક્ષોને યુદ્ધ અટકાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ (યુદ્ધની પરિસ્થિતિ) મહા-આપત્તિ બની રહે તે પૂર્વે બંને પક્ષોએ શાંતિ જાળવવી જ જોઇએ.તત્કાળ યુદ્ધ વિરામ પણ ઘોષિત કરી દેવો જોઇએ.
આમ છતાં હમાસ સરકારની મીડીયા ઓફીસના વડા સલમાન મારૂકે કહ્યું હતું કે ઇઝરાયલ દ્વારા અપાયેલી આ ચેતવણી તો બનાવટી પ્રચારનો ભાગ છે.તેનો હેતુ લોકોમાં ગભરાટ ફેલાવવો અને અમારા આંતર રાષ્ટ્રીય ઐક્યના પ્રયાસોને ખંડિત કરવાનો જ છે.શનિવારથી શરૂ થયેલાં આ યુદ્ધના ઇઝરાયલમાં ૧,૩૦૦ જેટલાં મૃત્યુ થયાં છે. હમાસ પક્ષે આશરે ૧,૫૦૦ થી વધુના મૃત્યુ નોંધાયાં છે તે સર્વવિદિત છે.