૧૦,૦૦૦થી વધુ મોત : ૯૭,૦૦૦થી વધુ કેસ
મિલાન તા. ૩૦ : કોરોના વાયરસના કારણે ઈટાલીમાં મૃત્યુ આંક ૧૦,૦૦૦ની પાર પહોંચી ગયો છે.જયારે કુલ કેસની સંખ્યા ૯૭૬૯૮ સુધી પહોંચી ગઈ છે.નોર્ધન ઈટાલીના બરગામોમાં પરિસ્થિતિ હૃદય હચમચાવી મૂકે તેવી છે.ત્યાં મૃતદેહોથી ભરેલા કોફિનના ખડકલા થઈ રહ્યા છે.એટલું જ નહીં વાયરસના ચેપના ખતરાને જોતા મૃતકના પરિવારજનો પોતાના આપ્તજનની અંતિમ ક્રિયા પણ કરી શકતા નથી.આ તમામ લોકોની અંતિમક્રિયા આર્મી દ્વારા કરવામાં આવી રહી છે.બરગામોમાં તો કબ્રસ્તાનમાં જગ્યા પણ ખૂટી પડી છે અને તેથી આર્મીના ટ્રકમાં ભરીને મૃતદેહો અન્ય જગ્યાએ લઈ જવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે.ઈટાલીમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંક શુક્રવારે નોંધાયો હતો.શુક્રવારે એક જ દિવસમાં ૯૧૯ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. જયારે ગુરૂવારે ૭૧૨, બુધવારે ૬૮૩, મંગળવારે ૭૪૩ અને સોમવારે ૬૦૨ લોકો મોતને ભેટ્યા હતા.ઈટાલી હવે કુલ કેસની સંખ્યામાં અમેરિકા બાદ બીજા ક્રમે છે.ઈટાલીએ કુલ કેસની સંખ્યામાં શુક્રવારે આ જીવલેણ વાયરસના જન્મદાતા ચીનને પાછળ રાખી દીધું છે.બરગામોના ચર્ચની ભયાનક તસવીરો સામે આવી રહી છે.જેમાં મૃતદેહોથી ભરેલા કોફિનનો ખડકલો ત્યાં થઈ ગયો છે.પાદરી દ્વારા ચર્ચમાં અને તેના હોલમાં અંતિમ ધાર્મિક વિધી કરવામાં આવે છે. ત્યારબાદ આ કોફિનને આર્મી દ્વારા આર્મી ટ્રકમાં લઈ જઈને અંતિમક્રિયા કરવામાં આવે છે.ઈટાલીના વડાપ્રધાન કોન્ટેએ યુરોપિયન યુનિયનને વિનંતી કરી છે કે તેઓ કોરોના સામે લડવાની ચોક્કસ રણનીતિ તૈયાર કરે.કોરોનાની સૌથી ખરાબ અસર યુરોપમાં જોવા મળી રહી છે.ઈટાલી બાદ સ્પેનની સ્થિતિ બદતર બની રહી છે.યુરોપિયન યુનિયનના ૨૭ દેશોના નેતાઓએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.જેમાં ઈટાલી અને સ્પેન ઈચ્છે છે યુરોપિયન યુનિયન કોરોના બોન્ડ્સ બહાર પાડે અને તેને સરકાર દ્વારા માર્કેટમાં મૂકવામાં આવે જેથી કરીને આર્થિક ભંડોળ એકઠું કરી શકાય.બંને દેશોએ તેમની આર્થિક જરૂરિયાની વાત પણ કરી હતી.કોન્ટેએ એક અખબારને જણાવ્યું હતું કે જો યુરોપ આ આકરા પડકારનો સામનો કરવા માટે એક નહીં થાય તો યુરોપ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે.નોંધનીય છે અર્થશાસ્ત્રના નિષ્ણાતોએ કહી દીધું છે કે આગામી મહિનાઓમાં યુરોપ મોટી આર્થિક મંદીમાં સપડાઈ જશે.તેમાં ઈટાલી સૌથી પહેલા ભાંગી પડશે કેમ કે ઈટાલીએ ૧૨ માર્ચથી લોકડાઉન કરી દીધું છે અને ત્યાં વેપાર-ધંધા અને રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે.


