– નાણાકીય વ્યવહારો છાવરવા અનેક લેયરો રચાયા
– માલ્ટા,સાઇપ્રસ જેવા આઇલેન્ડ કંપનીમાં નોંધાયેલી વેબસાઇટો ધ્યાન પર આવતા તેણે દરોડા પાડયા
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે વિદેશમાં રજિસ્ટર્ડ ઓનલાઇન ગેમમિંગ વેબસાઇટ અને અનેક કંપનીઓને ત્યાં દરોડા પાડીને વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલાયેલા ૪,૦૦૦ કરોડની રકમ પકડી પાડી છે. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૯.૫૫ લાખ અને ૨૨,૬૦૦ ડોલરની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે ૫૫ ખાતા સ્થગિત કરવામાં આવ્યા છે.
ઇડીએ આ બધી કાર્યવાહી ફેમા હેઠળ કરી છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ૨૨ અને ૨૩ મેના રોજ ૨૫ સંકુલામાં દરોડા પાડવામાં આવ્યા હતા.ઇડીએ જણાવ્યું હતું કે આ ઓનલાઇન ગેમિંગ કંપનીઓ ક્યુરાકાવો,માલ્ટા અને સાઇપ્રસ જેવા નાના ટાપુ હોય તેવા દેશોમાં રજિસ્ટર્ડ વેબસાઇટ ચલાવતી હોવાનું જાણમાં આવ્યા પછી દરોડા પાડવામાં આવ્યા હતા.જો કે આ બધા ખાતા ભારતમાં પ્રોક્સી વ્યક્તિના નામે હતા.આ વ્યક્તિનો પાછો ઓનલાઇન ગેમિંગ એક્ટિવિટી સાથે કોઈ સંબંધ ન હતો.આ વેબસાઇટ્સ દ્વારા સામાન્ય લોકો પાસેથી નાણા મેળવીને અનેકવિધ બેન્ક ખાતા દ્વારા છેવટે વિભારતની બહાર ખોટું ડેકલેરેશન કરીને કોઈ સર્વિસિસ કે ગૂડ્સની આયાત ગણાવી મોકલાતા હતા.ફેમા એક્ટ ૧૯૯૯ની જોગવાઈ હેઠળ રેસિંગ, રાઇડિંગ કે કોઈ શોખ દ્વારા કમાયેલી આવક ભારત બહાર મોકલી શકાતી નથી,એમ તેમણે જણાવ્યું હતું.ઇડીએ જણાવ્યું હતું કે આ પ્રકારના રેમિટન્સીસને છાવરવા માટે કેટલીય કંપનીઓ કર્મચારીઓ કે અન્ય ચાવીરુપ વ્યક્તિઓના નામે ખોલવામાં આવી છે અને આ રીતે માલસામગ્રી અને સેવાની આયાતની ચૂકવણી પેટે ચાર હજાર કરોડ રુપિયા ચૂકવાયા હોવાનું કહેવાયું છે.ઇડીએ જણાવ્યું હતુ કે આ પ્રકારની ફર્મ બનાવવા માટે કેટલાક પાન કાર્ડ,આધાર કાર્ડનો ઉપયોગ થાય છે.
આ પ્રકારની ફર્મનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ અને ઓફિસ સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

