– આઈપીએલમાં સટ્ટો રમાડતા જયસિંઘાણીનું દેશવિદેશમાં નેટવર્ક
– અમૃતા ફડણવિસ ખંડણી કેસમાં ઝડપાયેલા જયસિંઘાણી સામે વધુ ગાળિયો કસાયો, અનેક પ્રોપર્ટી ઉપરાંત બેન્કોમાં જમા રકમની પણ ભાળ મળી
મુંબઇ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકી અનિલ જયસિંઘાણી મની લોન્ડરનિંગની તપાસ દરમિયાન ઈડીને તેની ૧૦૦ કરોડથી વધુની પ્રોપર્ટીની ભાળ મળી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આ મિલ્કતોમાં હોટેલ,ફ્લેટ,દુકાન,પ્લોટ અને અન્ય સ્થાવર મિલકતોનો સમાવેશ છે.જયસિંઘાણી તેના પરિવારના સભ્યો,સંબંધીઓ અને નજીકના સાથીદારોના કેટલા બેંક ખાતાઓની પણ ઇડીએ માહિતી મેળવી લીધી છે.આ બેંક ખાતાઓમાં બિનહિસાબી કરોડો રૃપિયા જમા હોવાનું જાણવા મળ્યું છે.
ક્રિકેટ સટ્ટાબાજીમાં સામેલ ટોચના બુકીઓમાંનો એક ઉલ્હાસનગરના રહેવાસી જયસિંઘાણીની આઇપીએલ અને અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં હજારો કરોડ રૃપિયાના બેટીંગને લગતા મની લોન્ડરિંગ કેસમાં ૨૦૧૫થી ઇડી શોધખોળ કરી રહી છે.એજન્સી અન્ય બુકીઓને પણ શોધી રહી છે.જેઓ જયસિંઘાણીના નેટવર્કનો ભાગ છે.અમદાવાદ હાઇકોર્ટે ગયા અઠવાડિયે ઇડીને જયસિંઘાણીની કસ્ટડી મંજૂર કરી હતી.હાલમાં તેની સટ્ટાબાજી સાથીદાર,ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આટલી મોટી રકમના સંચાલન કરતા મની લોન્ડરિંગ નેટવર્ક અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
જયસિંઘાણીના નેટવર્કમાં મુંબઇ,દિલ્હી,કોલકાતા,બેંગ્લોર અને દુબઇના અન્ય બુકી સામેલ હતા. ઇડીના અમદાવાદ ઝોને રૃા. ૨૦૦૦ કરોડના આઇપીએસ સટ્ટાબાજીના કેસ રૃા. ૫૦૦૦ કરોડના મની લોન્ડરિંગની તપાસ શરૃ કરી છે.આ ગુનામાં અફરોઝ ફટ્ટા સંડોવાયેલો હતો.અફરોઝના કથિત રીતે એવા બુકીઓ સાથે સંબંધ હતા.જેમણે સટ્ટાબાજીના હજારો કરોડો રૃપિયા દુબઇ અને ત્યાંથી ભારત ટ્રાન્સફર કરવામાં મદદ કરી હતી.ઇડીના જોઇન્ટ ડાયરેક્ટર જેપી સિંઘના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ થઇ રહી હતી.પરંતુ બાદમાં જેપી સિંઘ અને તેમના જુનિયર સામે સીબીઆઇ દ્વારા લાંચના મામલામાં કેસ નોંધવામાં આવ્યો હતો.તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સીબીિઆએ આ કેસમાં મુંબઇથી બુકી સોનુ જાલાન અને બિમલ અગ્રવાલની ધરપકડ કરી હતી.સિંઘના સહકર્મચારીએ ત્યારે દાવો કર્યો હતો કેટલાક બુકીઓ દ્વારા તેમને લાંચના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા.જયસિંઘાણી ફરાર હતો.અમદાવાદની કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું.થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ દ્વારા નોંધાવેલા બ્લેકમેલ અને ખંડણીના કેસમાં બુકી અનિલ જયસિંઘાણી તેમની પુત્રી અનિક્ષા અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી.