સંયુક્ત રાષ્ટ્રને વિવિધ દેશો તરફથી તેમનાં નામ બદલવાનો પ્રસ્તાવ આવે છે ત્યારે એને સ્વીકારાતો હોય છે.દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ G20 ડિનરનું આમંત્રણ આપતી વખતે પોતાને ‘ઇન્ડિયાનાં રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતનાં રાષ્ટ્રપતિ’ કહીને આમંત્રણ આપ્યું હતું.યુએન સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેસના અસિસ્ટન્ટ સ્પોકપર્સન ફરહાન હકે બુધવારે કહ્યું હતું કે અગાઉ ટર્કીનું નામ ટર્કીયે કરવાનો પ્રસ્તાવ અમને સરકાર તરફથી મળ્યો હતો.અમને આવા પ્રસ્તાવ મળતા હોય છે એટલે અમે એના પર વિચાર કરીએ છીએ.આવું તેમણે ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ નામ કરવાના રિપોર્ટનો જવાબ આપતાં કહ્યું હતું.
સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સ્થાન
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય બનાવવા માટે સેક્રેટરી ઍન્ટોનિયો ગુટેરસ લાંબા સમયથી તરફેણ કરી રહ્યા છે એમ એના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે તેઓ સુરક્ષા પરિષદમાં સુધારા કરવા માગે છે, કારણ કે ૧૯૪૫ કરતાં હાલની પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર ભારત વખતોવખત ભાર મૂકતું રહ્યું છે.ભારતે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું છે કે સુરક્ષા પરિષદ અત્યારની વૈશ્વિક ભૌગોલિક અને વિકાસની વૈવિધ્યતાને સારી રીતે રિફ્લેક્ટ કરે એવી હોવી જોઈએ.ભારતે સુરક્ષા પરિષદમાં ભારતના જ નહીં પરંતુ આફ્રિકા અને લૅટિન અમેરિકાના પણ યોગ્ય અવાજ હોવો જોઈએ એવી હિમાયત કરી રહ્યું છે.એટલું જ નહીં ભારતે સુરક્ષા પરિષદની કાર્યપદ્ધતિમાં પણ સુધારો લાવવાની હિમાયત કરી છે.ભારતને આ મામલે અનેક દેશોનો સપોર્ટ છે.