પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર સરકારી ખજાના(તોશાખાના) માંથી ભેટસોગાદો વેચી દીધી હોવાનો આરોપ મૂક્યો છે.તેમણે જણાવ્યું હતું કે,ઇમરાને સરકારી ખજાનામાંથી હીરાના આભૂષણો સહિત રૂ.૧૪ કરોડની ભેટ દુબઇમાં વેચી હતી.જેને લીધે સરકારી તિજોરીને નુકસાન થયું હતું ઉલ્લેખનીય છે કે,સરકારી કાયદા અનુસાર અન્ય દેશોની હસ્તીઓ તરફથી મળતી ભેટસોગાદો સરકારી ખજાનામાં જમા કરાવવાની હોય છે.શેહબાઝે પત્રકારો સાથેની બેઠકમાં આ દાવો કર્યો હતો.તેમણે કહ્યું હતું કે,“હું એ વાતની પુષ્ટિ કરું છું કે,ઇમરાન ખાને તોશાખાનામાંથી ભેટો લઇ રૂ.૧૪ કરોડ (૭.૬ લાખ ડોલર)માં દુબઇમાં વેચી દીધી હતી.તેમાં હીરાના આભૂષણો,બ્રેસલેટ્સ,ઘડિયાળ અને અન્ય સેટ્સનો સમાવેશ થતો હતો.” ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) દ્વારા ઇમરાન સામે તપાસ શરૂ કરાઈ છે.તોશાખાનામાંથી એક કીમતી નેકલેસ ઝુલ્ફી બુખારી દ્વારા લાહોરના જ્વેલરને રૂ.૧૮ કરોડમાં વેચવામાં આવ્યું હતું.નેકલેસના વેચાણની કુલ રકમમાંથી નજીવો હિસ્સો જ તોશાખાનામાં જમા કરાવાયો હતો.જોકે,બુખારીએ નેકલેસના વેચાણના આરોપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.પાકિસ્તાનના ભૂતપૂર્વ સૂચના પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ શેહબાઝને માનસિક રીતે વિચલિત ગણાવ્યા હતા.