નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ફરી એક વખત ભાવવધારો ઝીંકાયો છે.પેટ્રોલ 76થી 84 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 76થી 85 પ્રતિ લીટર મોંઘુ થયું છે.છેલ્લા 5 દિવસમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આ ચોથી વખતનો વધારો ઝીંકાયો છે.જોકે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદથી જ ભાવવધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી.પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં માત્ર 5 દિવસની અંદર 3 રૂપિયા કરતાં પણ વધારેની વૃદ્ધિથી સામાન્ય ઉપભોક્તાઓની ચિંતા વધી છે.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80-80 પૈસાની વૃદ્ધિ થઈ છે.દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 98.61 રૂપિયા પ્રતિ લીટર ગણાશે જે પહેલા 97.81 રૂપિયા હતી.જ્યારે ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 89.87 રૂપિયા થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 84 પૈસા પ્રતિ લીટરની વૃદ્ધિ સાથે 113.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 85 પૈસાના વધારા સાથે 97.55 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે.જ્યારે કોલકાતામાં પેટ્રોલ 83 પૈસાના વધારા સાથે 108.1 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 79 પૈસાના વધારા બાદ 93.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 76 પૈસા વધીને 104.43 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76 પૈસા વધીને 94.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
દેશમાં 22 માર્ચના રોજ સંશોધિત દર જાહેર કરીને આશરે 4.5 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં એટલે કે,છેલ્લા 5 દિવસમાં કુલ 4 વખતમાં દરેક વખતે 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવવધારો કરવામાં આવ્યો છે.જૂન 2017માં દૈનિક મૂલ્ય સંશોધન શરૂ થયા બાદથી આ એક દિવસનો સૌથી તેજ વધારો છે.

