– મહિલાને 10 વર્ષથી કિડનીની સમસ્યા હતી અને દાતા ન મળવાના કારણે 7 વર્ષથી ઓપરેશન નહોતું થઈ શક્યું
નવી દિલ્હી, તા. 24 મે : જેરૂસલેમ ખાતે અનેક દશકાઓ બાદ ખેલાયેલા સૌથી ભયાનક સાંપ્રદાયિક યુદ્ધ બાદ દેશમાં શાંતિ સ્થાપવા પ્રયત્નો થઈ રહ્યા છે.આ બધા વચ્ચે કેટલાક લોકો માનવતાની મિસાલ રચવા અને અન્ય સમુદાયના લોકો પ્રત્યે સંવેદનશીલતા દાખવવા તેમના પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર ઉપરાંત પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અંગોનું દાન પણ કરી રહ્યા છે જેથી અન્ય વ્યક્તિને જીવન મળી શકે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ચરમપંથી સંગઠન હમાસ વચ્ચે ખેલાયેલા યુદ્ધ દરમિયાન અરબના નાગરિકો અને યહૂદીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો. છેલ્લા 2 સપ્તાહ દરમિયાન વાહનો,રેસ્ટોરા અને યહૂદી પ્રાર્થના સ્થળોને આગના હવાલે કરવાની અનેક ઘટનાઓ પણ નોંધાઈ હતી.
એક અહેવાલ પ્રમાણે ગત સપ્તાહે ઈઝરાયલી અરબ મહિલાનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું હતું.તે મહિલાને લોડ શહેર ખાતે અથડામણમાં માર્યા ગયેલા એક યહૂદી પુરૂષની કિડનીનું દાન મળ્યું હતું.જેરૂસલેમ નિવાસી રૈંડા એવૈસ(58)ને છેલ્લા 10 વર્ષથી કિડનીની સમસ્યા હતી.છેલ્લા 7 વર્ષથી તેમનું નામ ટ્રાન્સપ્લાન્ટેશન માટેની યાદીમાં હતું પરંતુ કોઈ દાતા નહોતું મળી રહ્યું.અથડામણમાં માર્યા ગયેલા યિગાલ યેહોશુઆ(56)ની કિડની મળ્યા બાદ તેમનું ઓપરેશન થયું હતું અને તેમને નવું જીવન મળ્યું છે.
યેહોશુઆના ભાઈના કહેવા પ્રમાણે તે પરમાર્થ કાર્યોમાં વિશ્વાસ રાખતો હતો અને વિશાળ હૃદયનો માલિક હતો જેથી અંગદાનનો નિર્ણય લેવાયો હતો.સાથે જ તેમણે મૃતકની પત્ની બાળકો સાથે કઈ રીતે જિંદગી કાપશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના જેવી નિર્દોષ વ્યક્તિની હત્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.