ઈઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે પાછલા 11 દિવસોથી ચાલી રહેલ ખૂની સંઘર્ષ ગુરુવારે 20મે રોજ સીઝફાયર પછી થંભી ગયો.યુદ્ધવિરામ લાગૂ થયા પછી ગાઝામાં ઉજવણી મનાવી રહેલા હજારો લોકોને સંબોધિત કરતા હમાસના એક વરિષ્ઠ નેતાએ શુક્રવારે ઈઝરાયલની સાથે સંઘર્ષમાં જીતનો દાવો કર્યો છે.ગાઝા પટ્ટીમાં ઈસ્લામી આંદોલનના રાજકીય બ્યૂરોના બીજા સૌથી વરિષ્ઠ સભ્ય ખલીલ અલ હયાએ કહ્યું કે આ જીતનો ઉત્સાહ છે.તેમણે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં નષ્ટ કરવામાં આવેલા ઘરોના પુનઃનિર્માણનો દાવો પણ કર્યો છે.

ઈજિપ્ત દ્વારા યુદ્ધવિરામ માટે મધ્યસ્થતા કરવામાં આવી હતી. જેમાં ગાઝાના બીજા સૌથી શક્તિશાળી સશસ્ત્ર સમૂહ ઈસ્લામિક જિહાદને પણ સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુરુવારે સાંજે બંને પક્ષો યુદ્ધવિરામ પર સહમત થયા.આંતરરાષ્ટ્રીય દબાણ પછી આ યુદ્ધવિરામને શુક્રવારે બપોરે 2 વાગ્યે લાગૂ કરી દેવામાં આવ્યો છે.આ મહિનાની શરૂઆતમાં બંને દેશોની વચ્ચે ખૂની સંઘર્ષના કારણે હજારો લોકોના મોત થયા છે.
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 મેથી ગાઝા પર ઈઝરાયલના હુમલામાં 232 પેલેસ્ટેનિયન લોકોના મોત થયા છે, જેમાં 65 બાળકો હતા. 1900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.હમાસના અધિકારીઓ અનુસાર મોટા વિસ્તારો કાટમાળમાં ફેરવાઇ ગયા છે અને લગભગ 1,20,000 લોકો વિસ્થાપિત થયા છે.

ઈઝરાયલી સેનાનું કહેવું છે કે, ગાઝામાં હમાસ અને અન્ય ઈસ્લામી સંગઠનોએ યુદ્ધ દરમિયાન ઈઝરાયલ તરફ 4300થી વધારે રોકેટ છોડ્યા,પણ વસતીવાળા વિસ્તારો તરફ જતા મોટાભાગના રોકેટોને ઈઝરાયલના આયરન ડોમે હવામાં જ રોકી દીધા હતા. ઈઝરાયલી પોલીસનું કહેવું છે કે આ રોકેટ હુમલામાં ઈઝરાયલમાં 2 બાળકો અને એક ઈઝરાયલી સૈનિક સહિત 12 લોકોના મોત થયા.જેમાં એક ભારતીય મહિલા અને બે થાઇલેન્ડના નાગરિકો સામેલ હતા.
જેરૂશલેમમાં આવેલી અલ અક્સા મસ્જિદ પરિસરમાં ઈઝરાયલી પોલીસ અને પેલેસ્ટાઇન પ્રદર્શનકારીઓ વચ્ચેના સંઘર્ષ પછી હમાસ દ્વારા જેરૂશલેમ તરફ રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી યુદ્ધની શરૂઆત થઇ હતી.ઈઝરાયલે ત્યાર પછી હવાઇ અભિયાન શરૂ કર્યું જેમાં તેણે ગાઝામાં હજારો સૈન્ય ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને ડઝનો કમાન્ડરોને મારી નાખ્યા.ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે, હમાસ અને ઈસ્લામિક જિહાદે ઘણાં વર્ષો પાછળ કરી દીધા છે.


